૧૯૬૫નું ભારત-પાકિસ્તાન યુદ્ધ

૧૯૬૫નું ભારત-પાકિસ્તાન યુદ્ધ એ એપ્રિલ ૧૯૬૫થી સપ્ટેમ્બર ૧૯૬૫ સુધી બંને દેશો વચ્ચે ચાલેલી મુઠભેડનું પરિણામ હતું.

સંઘર્ષની શરૂઆત પાકિસ્તાનની જમ્મુ અને કાશ્મીરમાં ભારત વિરોધિ બળવો ચાલુ કરવા ઓપરેશન જીબ્રાલ્ટર હેઠળ ઘૂસણખોરો દાખલ કરવાની કોશિષ સાથે થઈ. ભારતે તેના વિરોધમાં પશ્વિમ પાકિસ્તાન પર સૈન્ય હુમલો કર્યો. ૧૭ દિવસ ચાલેલા આ યુદ્ધમાં બંને પક્ષે મોટા પ્રમાણમાં ખુવારી થઈ અને હજારો સૈનિકો માર્યા ગયા, બખ્તરીયા દળો વચ્ચે દ્વિતીય વિશ્વયુદ્ધ બાદની સૌથી મોટી લડાઈ પણ થઈ. સોવિયત યુનિયન અને સંયુક્ત રાજ્ય અમેરિકાની દખલગીરી બાદ સંયુક્ત રાષ્ટ્રસંઘની સંઘર્ષ વિરામ દરખાસ્ત બાદ તાસ્કંદ સમજૂતી દ્વારા બંને દેશો વચ્ચે યુદ્ધનો અંત આવ્યો. મોટા ભાગનું યુદ્ધ બંને દેશોની ભૂમિસેનાઓ વચ્ચે કાશ્મીર ખાતે અને ભારત અને પશ્ચિમ પાકિસ્તાનની સરહદે લડાયું. ૧૯૪૭માં ભાગલા બાદ આટલી મોટી સંખ્યામાં કાશ્મીર ખાતે સૈન્યની નિયુક્તિ પ્રથમ વખત થઈ અને તે ૨૦૦૧-૦૨માં ઓપરેશન પરાક્રમ દરમિયાન ફરી વખત જોવા મળી. મોટા ભાગની લડાઈ પાયદળ અને બખ્તરીયા દળો વચ્ચે વાયુસેના અને નૌસેનાઓની મદદથી લડાઈ. યુદ્ધ દ્વારા પાકિસ્તાનની અયોગ્ય સૈન્ય તાલીમ, અધિકારીઓની દિશાવિહોણી પસંદગી, હુકમ અને પ્રયોજન વચ્ચેનો તફાવત, નબળું જાસૂસી તંત્ર અને ખરાબ સૂચના તંત્ર ખુલ્લાં પડી ગયાં. આ નબળાઈઓ છતાં પાકિસ્તાની સૈન્ય તેના કરતાં બળુકા ભારતીય ભૂમિસેના સામે લડ્યું. આ યુદ્ધની ઘણી માહિતી સ્પષ્ટ નથી.

સંઘર્ષ વિરામ થવા છતાં સૈન્ય દ્રષ્ટિએ યુદ્ધનો કોઈ અંજામ મળ્યો નહિ, બંને દેશોએ વિજયનો દાવો કર્યો. મોટાભાગના તટસ્થ ટીકાકારો પાકિસ્તાન વિરુદ્ધ ભારતનો પક્ષ મજબૂત રહ્યો હોવા સહમત થયા. પરિણામ વિહોણા સંઘર્ષ છતાં યુદ્ધને પાકિસ્તાનની સૈન્ય અને રાજકીય હાર માનવામાં આવે છે કારણ કે તે કાશ્મીરમાં બળવો કરાવવામાં નિષ્ફળ રહ્યું અને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ કોઈ નક્કર ટેકો ન મળ્યો.

આંતરરાષ્ટ્રીય સ્તરે આ યુદ્ધને શીત યુદ્ધના પરિપેક્ષમાં જોવામાં આવ્યું અને ઉપખંડમાં મોટાપ્રમાણ ભૂરાજકીય ઉથલપાથલનું કારણ બન્યું. યુદ્ધ પહેલાં સંયુક્ત રાજ્ય અમેરિકા અને યુનાઇટેડ કિંગ્ડમ મોટાપ્રમાણમાં ભારત અને પાકિસ્તાનને ટેકો આપતાં હતાં અને તેમને સૈન્ય હથિયારોના મુખ્ય નિકાસકારક હતા. યુદ્ધ દરમિયાન અને પછી ભારત અને પાકિસ્તન બંનેને મળતા પશ્ચિમી ટેકામાં કાપ આવ્યો અને અમેરિકા અને બ્રિટન બંને દ્વારા સૈન્ય સંરજામ પર આંતરરાષ્ટ્રીય પ્રતિબંધ મૂકાયો. તેના પરિણામે ભારત અને પાકિસ્તાન બંને દ્વારા અનુક્રમે સોવિયત યુનિયન અને ચીન સાથે સંપર્ક વધાર્યો. યુદ્ધ દરમિયાન પશ્ચિમી દેશોના નકારાત્મક વલણને કારણે ૧૯૭૧માં અને હાલ સુધી ઉપખંડ સાથેના સંબંધને અસર પહોંચાડી છે.

યુદ્ધ પહેલાં

૧૯૬૫નું ભારત-પાકિસ્તાન યુદ્ધ 
૧૯૬૫ના યુદ્ધના થોડા દિવસો પહેલાં ભારતના જમ્મુ અને કાશ્મીરમાં સેંકડો ઘૂસણખોરોની હાજરી દર્શાવતો અમેરિકાના ગૃહખાતાંનો ખાનગી પત્ર

૧૯૪૭માં ભારત અને પાકિસ્તાનના ભાગલા સમયથી જ બંને દેશો વચ્ચે ઘણા મુદ્દાઓ પર ગેરસમજૂતી હતી. જોકે તેમાં મુખ્ય મુદ્દો કાશ્મીરનો જ હતો. અન્ય મુદ્દાઓમાં ગુજરાતના કચ્છના રણનો હતો. તે મુદ્દો ૧૯૫૬માં પ્રથમ વખત સામે આવ્યો અને અંતે ભારતે તેના પર કબ્જો મેળવ્યો. જાન્યુઆરી ૧૯૬૫માં ભારતના કબ્જાવાળા પ્રદેશમાં પાકિસ્તાને ચોકિયાત ટુકડીઓ મોકલવાનું શરૂ કર્યું. જે બાદમાં ૮ એપ્રિલ ૧૯૬૫ના રોજ બંને દેશો દ્વારા એકબીજાની ચોકીઓ પર હુમલામાં પરિણમી. શરૂઆતમાં બંને દેશોની સરહદી પોલીસ તેમાં સામેલ હતી પરંતુ તુરંત જ તેમાં સૈન્ય કાર્યવાહી શરુ કરાઈ. જુન ૧૯૬૫માં બ્રિટીશ પ્રધાનમંત્રી હેરોલ્ડ વિલ્સન બંને દેશોને સંઘર્ષ વિરામ કરાવવામાં અને મુદ્દાને સમિતી બનાવી હલ કરવા સમજાવવામાં સમર્થ રહ્યા. ૧૯૬૮માં સમિતિના ચુકાદા મુજબ પાકિસ્તાનને ૯,૧૦૦ વર્ગ કિમીના દાવા સામે ૯૧૦ વર્ગ કિમી રણ વિસ્તાર સોંપવામાં આવ્યો.

કચ્છના રણમાં પાકિસ્તાનને મળેલી સફળતાએ જનરલ અયુબ ખાનના નેતૃત્વમાં એવું વિચારતું કરી દીધું કે ૧૯૬૨માં ચીન સામે મળેલી હારને કારણે ભારતીય ભૂમિસેના અચાનક કરાયેલા આક્રમણ સામે રક્ષણ નહિ કરી શકે અને કાશ્મીર તેમના કબ્જામાં આવી જશે. પાકિસ્તાનને એવી પણ છાપ હતી કે કાશ્મીરની પ્રજા ભારતની વિરુદ્ધ છે અને કેટલાક ઘૂસણખોરોની મદદથી ત્યાં બળવાની શરૂઆત શક્ય છે. આમ, તેણે ઓપરેશન જીબ્રાલ્ટરની શરૂઆત કરી. જોકે પાકિસ્તાની ઘૂસણખોરોને તુરંત જ ઓળખી લેવામાં આવ્યા અને આ કાર્યવાહીને સફળતાપૂર્વક રોકી દેવાઈ.

યુદ્ધ

ઓગષ્ટ ૫, ૧૯૬૫ના દિવસે આશરે ૨૬,૦૦૦ થી ૩૩,૦૦૦ પાકિસ્તાની સૈનિકોએ કાશ્મીરી સ્થાનિકોના વેશમાં અંકુશ રેખા પાર કરી. સ્થાનિકોએ આપેલા ખબરના આધારે ભારતીય સેનાએ ૧૫ ઓગષ્ટના રોજ અંકુશ રેખા પાર કરી. શરૂઆતમાં ભારતીય સેનાને નોંધપાત્ર સફળતા મળી અને મોટા પ્રમાણમાં તોપમારા બાદ ત્રણ મહત્ત્વની પહાડી ચોકીઓ કબ્જે કરી. પરંતુ ઓગષ્ટના અંત સુધીમાં બંને પક્ષોને એકંદરે સમાન સફળતા મળી હતી. પાકિસ્તાન તિથવાલ, ઊરી અને પુંચ ક્ષેત્રમાં આગળ હતું જ્યારે ભારતે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આઠ કિમી જેટલો અંદર આવેલ હાજીપીરનો ઘાટ કબ્જે કર્યો હતો.

સપ્ટેમ્બર ૧, ૧૯૬૫ના રોજ પાકિસ્તાને ઓપરેશન ગ્રાન્ડ સ્લામ હેઠળ વળતો હુમલો કર્યો અને જમ્મુ પ્રદેશમાં આવેલ અખનુર ગામ કરવાનું લક્ષ્યાંક રાખ્યું જે ભારતની દ્રષ્ટિએ સેનાના પુરવઠા અને સંદેશવ્યવહાર માટે મહત્ત્વનું હતું. અયુબ ખાને વિચાર્યું હતું કે "હિંદુ મનોબળ બેક જગ્યાએ પ્રબળ હુમલા બાદ ટકી નહિ શકે" જોકે આ દરમિયાન જ ઓપરેશન જીબ્રાલ્ટર નિષ્ફળ થઈ ગયું અને ભારતે હાજીપીરનો ઘાટ કબ્જે લીધો. સપ્ટેમ્બર ૧, ૧૯૬૫ના રોજ આશરે રાત્રે ૩.૩૦ કલાકે સમગ્ર છામ્બ વિસ્તાર પર મોટા પ્રમાણમાં તોપમારો કરાયો. પાકિસ્તાને ઓપરેશન ગ્રાન્ડ સ્લામ શરૂ કર્યું અને ભારતીય સૈન્ય મુખ્યાલય આશ્ચર્યમાં મુકાયું. મોટા પ્રમાણમાં સૈનિકો અને તકનિકી દ્રષ્ટિએ ચડિયાતી રણગાડીઓએ વડે હુમલો કરી અને પાકિસ્તાને ભારત વિરુદ્ધ સફળતા તે વિસ્તારમાં હાંસલ કરી અને ભારતે મોટી ખુવારી વેઠી. ભારતે વિરોધમાં વાયુસેનાને ઉપયોગ કર્યો જેનો વિરોધ બીજા દિવસે પાકિસ્તાની વાયુસેનાએ પંજાબ અને કાશ્મીરમાં ભારતીય સૈન્ય અને હવાઈમથકો પર હુમલા વડે કર્યો. ભારતના પંજાબ મોરચા પર હુમલો કરવાના નિર્ણયને કારણે પાકિસ્તાને પોતાનું સૈન્ય પાકિસ્તાની પંજાબના રક્ષણમાં ગોઠવવું પડ્યું. આમ કરતાં પાકિસ્તાન અખુનુર પર સંપૂર્ણ કબ્જો ન જમાવી શક્યું અને ઓપરેશન ગ્રાન્ડ સ્લામ પણ નિષ્ફળ થયું. અન્ય મોરચે કારગિલ ગામ ભારતના કબ્જે હતું પરંતુ આજુબાજુના ઉંચાઈ ધરાવતા વિસ્તાર પાકિસ્તાની ઘૂસણખોરોના તાબે હતા જેને ઓગષ્ટમાં જ ભારતે પાછા મેળવ્યા. ભારતે આંતરરાષ્ટ્રીય સરહદ ૬ સપ્ટેમ્બરના રોજ ઓળંગી અને આમ સત્તાવાર યુદ્ધનો આરંભ થયો. ૧૫મી પાયદળ ડિવિઝન મેજર જનરલ પ્રસાદના નેતૃત્વ હેઠળ પાકિસ્તાનના વળતા હુમલાઓનો પ્રતિકાર કરતી ઇચ્છોગિલ નહેર પર પહોંચી. જનરલના કાફલા પર પણ હુમલો થયો અને તેમણે પોતાનું વાહન છોડી અને ભાગવું પડ્યું. જોકે બીજા પ્રયાસમાં નહેર બર્કિ ખાતે પાર કરવામાં સફળતા મળી. આ સ્થળ લાહોરની નજીક પૂર્વ દિશામાં હતું. આમ થવાથી ભારતીય દળો લાહોર આંતરારાષ્ટ્રીય વિમાનમથકની નજીક પહોંચી ગયા. તેના પરિણામે અમેરિકા દ્વારા ટૂંક સમય માટે યુદ્ધવિરામની વિનંતી કરવામાં  આવી જેથી તે લાહોર ખાતે રહેતા તેના નાગરિકોને સલામત બહાર કાઢી શકે. પરંતુ, પાકિસ્તાનના વળતા હુમલામાં તે ખેમકરણ કબ્જે કરવામાં સફળ રહ્યું જેને આગળ વધતા રોકવા ભારતે ખેમકરણ નજીક જ આવેલ બેડિયાં પર હુમલો કર્યો.

લાહોર સામે 1 લી પાયદળ ડિવિઝન દ્વારા ૨જી સ્વતંત્ર બખ્તરીયા બ્રિગેડની  ત્રણ રણગાડી રેજિમેન્ટના આધારથી હુમલો કરાયો હતો ; તેઓ ઝડપથી સરહદ પાર કરવામાં સફળ રહ્યા અને 6 સપ્ટેમ્બર સુધી નહેરના કિનારે હતા. પાકિસ્તાની સેના નહેર પરના પુલ પર કબ્જો રાખીને બેઠી હતી અથવા ન સાચવી શકનાર પુલ ઉડાવી દીધા હતા, અસરકારક રીતે ભારતીયો લાહોર તરફ વધી ન શકે તે રીતે. ભારતીય જાટ રેજિમેન્ટ, 3 જાટ, એક પલટણ નહેર ઓળંગવામાં સફળ રહી અને બાટાપુર કબજે આ કર્યું. આ જ દિવસે, એક બખ્તરીયા ડિવિઝન અને પાયદળ ડિવિઝન દ્વારા વાયુસેનાના આધાર વડે પાકિસ્તાનના વળતા હુમલાથી ભારતીય 15 ડિવિઝન પાછી તેના શરૂઆતના બિંદુ પર પહોંચી ગઈ. 3 જાટ ઓછી જાનહાનિ સહી અને બાટાપુર કબ્જે કરવામાં સફળ રહી હતી અને મોટા ભાગનું નુક્સાન દારુગોળો અને ખોરાકીના વાહનોએ સહ્યું હતું. પરંતુ, ઉપરી અધિકારીઓ સુધી ખોટી માહિતી પહોંચી અને તેમણે પલટણને પીછેહઠ નો આદેશ આપ્યો. જેનાથી લેફ્ટ કર્નલ ડેસમન્ડ હાઇડ ખૂબ નિરાશ  થયા. તેમણે ફરિ આ વિસ્તાર પાછળથી કબ્જે કર્યો પરંતુ મોટી જાનહાનિ વેઠ્યા પછી.

સપ્ટેમ્બર ૮, ૧૯૬૫ના રોજ ૫મી મરાઠા લાઇટ્ ઇન્ફન્ટ્રીની એક કંપની મુનાબાઓ, રાજસ્થાન ખાતે તૈનાત કરવામાં આવી. તે વ્યુહાત્મક દ્રષ્ટિએ મહત્ત્વનું ગામ હતું અને તે જોધપુરથી આશરે ૨૫૦ કિમીના અંતરે રણવિસ્તારમાં હતું. તેમને એક જ કાર્ય સોંપાયું હતું કે કોઈપણ ભોગે ચોકી જાળવી રાખવી અને પાકિસ્તાનની પાયદળ સેનાને તેનો કબ્જો કરતા રોકવી. પરંતુ, મરાઠા ટેકરી (હાલમાં આ સ્થળને આ નામે ઓળખાય છે) પર કંપની મહામુશ્કેલીએ દુશ્મનનો હુમલો ખાળી શકી. ૨૪ કલાકની આ લડાઈ બાદ બ્રિગેડ ઓફ ગાર્ડસની એક કંપનીને તેમની મદદ માટે મોકલાઈ પણ તે યુદ્ધમેદાન સુધી પહોંચી જ ન શકી. પાકિસ્તાની વાયુ સેનાએ સમગ્ર વિસ્તારમાં બોમ્બમારો કર્યો અને બાડમેર તરફથી મદદ લઈ આવતા રેલ્વે માર્ગ પર આવતા ગદરા માર્ગ રેલ્વે સ્ટેશન પર પણ હુમલો કર્યો. સપ્ટેમ્બર ૧૦ ના રોજ મુનાબાઓ પાકિસ્તાનના કબ્જામાં ગયું અને તેને પાછું કબ્જે કરવાના પ્રયાશ નિષ્ફળ ગયા.

સપ્ટેમ્બર ૯ બાદ બંને દેશોના મુખ્ય લડાયક સૈન્યો આમનેસામને લડાઈમાં જોડાયા. ભારતની ૧લી બખ્તરીયા ડિવિઝન જે "ભારતના અભિમાન" તરીકે ઓળખાતી હતી તેણે સિઆલકોટ તરફ હુમલો કર્યો. ડિવિઝને બે ભાગમાં વહેંચાઈ અને હુમલો કર્યો પરંતુ ચાવીન્દા ખાતે પાકિસ્તાનની ૬ઠી બખ્તરીયા ડિવિઝન સાથે લડાઈ બાદ તેને પીછેહઠ કરવી પડી અને તેણે મોટાપ્રમાણમાં ખુવારી વેઠી. તેવી જ રીતે પાકિસ્તાનની ૧લી બખ્તરીયા ડિવિઝને ખેમ કરણ તરફ હુમલો કર્યો અને તેને અમૃતસર અને જલંધર તરફનો બિયાસ નદી પરનો પુલ કબ્જે કરવાનું લક્ષ્યાંક હતું.

પરંતુ, આ ડિવિઝન ખેમ કરણથી આગળ જ ન વધી શકે અને ૧૦ સપ્ટેમ્બર સુધીમાં ભારતની ૪થી પહાડી ડિવિઝનના હાથે તે સંપૂર્ણ વિખેરાઈ ગઈ. આ લડાઈને અસલ ઉત્તરની લડાઈના નામે ઓળખવામાં આવે છે. જે વિસ્તારમાં લડાઈ થઈ તેનું નામ પેટન નગર પડી ગયું. આશરે ૯૭ પાકિસ્તાની પેટન રણગાડીઓ નાશ પામી અથવા તેને પડતી મુકાઈ હતી. જ્યારે ભારતે ૩૨ રણગાડીઓ ગુમાવી. પાકિસ્તાને સિઆલકોટ વિસ્તારમાં ૫મી બખ્તરીયા બ્રિગેડ સિવાય ૧લી બખ્તરીયા ડિવિઝન મોકલી જ્યાં પાકિસ્તાનની ૬ઠી બખ્તરીયા ડિવિઝન ભારતની ૧લી બખ્તરીયા ડિવિઝનને પીછેહઠ કરાવતી હતી.

રાજસ્થાન ક્ષેત્રમાં ૮મી સપ્ટેમ્બરથી લડાઈ ચાલુ થઈ. શરૂઆતમાં પાકિસ્તાની દળો રક્ષણાત્મક રીતે ગોઠવાયા હતા જેમાં હુર નાગરિક સૈન્ય સામેલ હતું. તેઓ રક્ષણ કરવામાં અસરકારક સાબિત થયા કેમકે તેઓ સ્થાનિક હતા અને સમગ્ર વિસ્તાર જાણતા હતા. આ નાગરિક સૈન્યનો ઉપયોગ ભારતીય સૈન્ય સિંધમાં પ્રવેશ્યા બાદ તેને રંજાડવાના કાર્યમાં ઉપયોગી નીવડ્યું. તેમણે સરહદ પાર ભારતમાં પણ હુમલા કરી અને ગામો કબ્જે કર્યા અને અંતે કિશનગઢ કિલ્લો પણ કબ્જે કર્યો.

યુદ્ધ બંને દેશો વચ્ચે લડાઈ મડાગાંઠમાં પરિવર્તિત થઈ રહી હતી. ભારતે આશરે ૩,૦૦૦ સૈનિકો ગુમાવ્યા હતા જ્યારે પાકિસ્તાને ૩,૮૦૦. ભારતના કબ્જામાં ૧,૯૨૦ વર્ગ કિમી પાકિસ્તાની વિસ્તાર હતો જ્યારે પાકિસ્તાનના કબ્જામાં ૫૫૦ વર્ગ કિમી ભારતીય વિસ્તાર હતો. ભારતે સિઆલકોટ, લાહોર અને કાશ્મીર ક્ષેત્રમાં પાકિસ્તાની જમીન મેળવી હતી જ્યારે પાકિસ્તાને સિંધ અને છામ્બ ક્ષેત્રમાં.

હવાઈ લડાઈ

યુદ્ધમાં ભારતીય વાયુસેના અને પાકિસ્તાની વાયુસેના પણ આમને સામને આવી.

ભારતીય વાયુસેના મુખ્યત્ત્વે હોકર હન્ટર, નૅટ, વામ્પાયર, કેનેબેરા બોમ્બર અને મિગ-૨૧ની એક સ્ક્વોડ્રનનો ઉપયોગ કરી રહી હતી. પાકિસ્તાની વાયુસેનામાં ૧૦૨ સેબરજેટ, ૧૨ એફ-૧૦૪ અને ૨૪ બી-૫૭ કેનબેરા બોમ્બર હતા.

પાકિસ્તાન મોટાભાગે અમેરિકન વિમાનો ધરાવતું હતું અને ભારત બ્રિટિશ અને સોવિયત વિમાનો ધરાવતું હતું. પાકિસ્તાન ભારત કરતાં વધુ બળુકી વાયુસેના ધરાવતું હતું.

સેબરજેટ તેના કરતા નાના નેટ વિમાન જે "સેબર નાશક" તરીકે ઓળખાયું તેની સામે નબળું હતું. નેટ દ્વારા સાત સેબરજેટ તોડી પડાયા હતા. ઉપખંડમાં એફ-૧૦૪ સૌથી ઝડપી વિમાન હતું અને તેને પાકિસ્તાનું અભિમાન તરીકે ઓળખાતું હતું. જોકે તે ઉંચાઈ પર સોવિયેત બોમ્બરને આંતરવા બનેલું હતું પણ તે અવાજ કરતાં વધુ ઝડપે ઘણી નેટ અને સેબરજેટ વચ્ચેની લડાઈ રોકવામાં સફળ રહ્યું.

બંને દેશોએ નુક્શાન વિશે વિરોધિ દાવા કર્યા અને કોઈ તટસ્થ નિષ્ણાત દ્વારા તેનું પૃથ્થક્કરણ કરાયું નથી. ભારતે પાકિસ્તાનના ૭૩ વિમાનો તોડવાનો અને ૫૯ ગુમાવવાનો દાવો કર્યો. જ્યારે પાકિસ્તાને ભારતના ૧૦૪ વિમાનો તોડવાનો અને ૧૯ ગુમાવવાનો દાવો કર્યો.

બંને વાયુસેનાઓ યુદ્ધમાં લગભગ સમાન સ્તરે જ રહી કેમકે ભારતની મોટા ભાગની વાયુસેના પૂર્વમાં ચીનના સંભવિત હુમલા સામે રક્ષણ માટે તૈનાત હતી. યુદ્ધના અંતે પાકિસ્તાને આશરે ૧૭ ટકા વિમાન ગુમાવ્યા અને ભારતે આશરે ૧૦ ટકા. આમ, બંને પક્ષે નુક્શાન લગભગ સમાન જ હતું. એક પાકિસ્તાની પાયલોટ એમએમ આલમને એક મિનિટ કરતાં ઓછા સમયમાં પાંચ ભારતીય વિમાનો તોડી પાડવાનું શ્રેય અપાયું. પરંતુ, તેને પાકિસ્તાને સત્તાવાર અનુમોદન ન આપ્યું અને ભારતે તેને ખોટો ગણાવ્યો.

રણગાડીની લડાઈઓ

૧૯૬૫ના યુદ્ધમાં દ્વિતીય વિશ્વયુદ્ધ બાદ સૌથી મોટી રણગાડીની લડાઈઓ થઈ. શરુઆતમાં પાકિસ્તાનના પક્ષ રણગાડીઓના મામલે સંખ્યાબળની દ્રષ્ટિએ અને તકનિકિ દ્રષ્ટિએ બળુકો હતો. તે મોટાભાગે અમેરિકન પેટન એમ-૪૭ અને એમ-૪૮ રણગાડીઓ ધરાવતું હતું અને આ સિવાય શેરમાન અને ચાફી રણગાડીઓ પણ હતી. જ્યારે ભારતના પક્ષે જૂની શેરમાન રણગાડીઓ હતી. આ સિવાય બ્રિટીશ સેન્ચ્યુરીઅન, સ્ટુઅર્ટ અને પીટી-૭૬ હતી. પાકિસ્તાનનું તોપખાનું પણ આધુનિક અને મારક ક્ષમતામાં ભારત કરતાં ચડિયાતું હતું.

યુદ્ધની શરુઆતે પાકિસ્તાન ૧૫ બખ્તરીયા રેજિમેન્ટ ધરાવતું હતું જેમાં દરેકમાં ૪૫ રણગાડીઓ હતી. જે મુખ્યત્ત્વે ૧લી અને ૬ઠી બખ્તરીયા ડિવિઝનમાં વહેંચાયેલી હતી.

ભારત ૧૭ બખ્તરીયા રેજિમેન્ટ ધરાવતું હતુ અને તેમાં ૧૬૪ એએમએક્ષ-૧૩ હળવી રણગાડીઓ, ૧૮૮ સેન્ચ્યુરીઅન, શેરમાન, સ્ટ્યુઅર્ટ હતી. આ રેજિમેન્ટ ભારતના એકમાત્ર ૧લી બખ્તરિયા ડિવિઝનનો ભાગ હતી. આમાં મુખ્ય રેજિમેન્ટ ૧૭મી પૂના હોર્સ, ૪થી હોર્સ, ૧૬મી અશ્વદળ, ૭મી હળવી અશ્વદળ, ૨જી લાન્સર, ૧૮મી અશ્વદળ અને ૬૨મી અશ્વદળ હતી. આ સિવાય એક ૨જી સ્વતંત્ર બખ્તરીયા બ્રિગેડ પણ હતી. જેમાં ૩જી અશ્વદળ સામેલ હતી.

આમ બળુકી પાકિસ્તાની રણગાડીઓને ભારત રોકવામાં સફળ રહ્યું અને લાહોર-સિઆલકોટ વિસ્તારમાં આગળ વધવામાં સફળતા મેળવી. જોકે તેમાં પાકિસ્તાનની અસલ ઉત્તર ખાતે ભૂલભરેલી ગોઠવણી પણ જવાબદાર હતી. વધુમાં તે જ વિસ્તારમાં આ પહેલાં બુર્કી ભારતના કબ્જામાં આવતાં પાકિસ્તાનનું લાહોર શહેર ભારતીય રણગાડીઓની પહોંચમર્યાદામાં આવી ગયું હતું.

સપ્ટેમ્બર ૧૧ ના રોજ ભારતે માધુપુર નહેર પાર કરી અને પાકિસ્તાનનો ખેમકરણ ખાતેનો હુમલો ખાળ્યો. આમ થવાથી પાકિસ્તાનની વ્યૂહરચનાને મોટો આંચકો લાગ્યો. જોકે ચાવીન્દાની લડાઈમાં ભારતે પણ નુક્શાન વેઠ્યું. બંને દેશો મોટી સંખ્યામાં બખ્તરીયા દળોના ઉપયોગમાં નિષ્ફળ ગયા પરંતુ નાની સંખ્યામાં તેમનો અસરકારક ઉપયોગ કર્યો. દા.ત. અસલ ઉત્તરની લડાઈ ખાતે ભારતે અને ચાવીન્દાની લડાઈ ખાતે પાકિસ્તાને.

સેન્ચ્યુરીઅન રણગાડીઓએ તેની ૧૦૫ મિમિની તોપ અને ભારે બખ્તરના આધારે જટિલ પેટન કરતાં સારું કામ કર્યું.

નૌકા યુદ્ધ

૧૯૬૫ના યુદ્ધમાં નૌકાદળોની કાર્યવાહી મોટા પ્રમાણમાં ન વપરાઈ. સપ્ટેમ્બર ૭ ના રોજ પાકિસ્તાની નૌકાદળના કાફલાએ ભારતીય નૌકાદળના દ્વારકા, ગુજરાત નજીકના રડાર મથક પર તોપમારો કર્યો. ઓપરેશન દ્વારકાને કેટલાક નિષ્ણાત નોંધપાત્ર માને છે જ્યારે કેટલાક માત્ર રંજાડ કરતી કાર્યવાહી ગણે છે. આ હુમલાને કારણે ભારતીય સંસદમાં હોબાળો થયો અને યુદ્ધ બાદ ભારતીય નૌસેનાનું આધુનિકિકરણ કરાયું.

પાકિસ્તાનના દાવા અનુસાર પાકિસ્તાની પનડુબ્બી ગાઝીએ આઈએનએસ વિક્રાન્તને બોમ્બે ખાતે સમગ્ર યુદ્ધ દરમિયાન ગોંધી રાખ્યું. જોકે ભારતના દાવા અનુસાર ભારત નૌકાયુદ્ધ શરૂ કરવાના મતનું ન હતું માટે વિક્રાન્તને સામેલ નહોતું કરાયું. જોકે એક દાવા અનુસાર વિક્રાન્ત સમારકામ હેઠળ હતું અને પાકિસ્તાનના કેટલાક નિષ્ણાતો અનુસાર ભારતનો ૭૫ ટકા નૌકાકાફલો સમારકામ હેઠળ હતો.

ગુપ્ત કાર્યવાહીઓ

પાકિસ્તાની સેનાએ ભારતીય વાયુમથકોમાં ઘૂસણખોરી કરવા અને ભાંગફોડ કરવા અનેક છૂપી કાર્યવાહી કરી જેમાં સપ્ટેમ્બર ૭ના રોજ હલવારા, પઠાણકોટ અને આદમપુર ખાતે છત્રીદળ દ્વારા સ્પેશ્યલ સર્વિસ ગ્રુપના કમાન્ડોને ઉતારવાની કાર્યવાહી મુખ્ય હતી. તેના ભાગરૂપે ૧૩૫ કમાન્ડો મોકલાયા પરંતુ માત્ર ૨૨ જ પાછા પાકિસ્તાન પહોંચ્યા અને ૯૩ યુદ્ધકેદી બન્યા અને ૨૦ માર્યા ગયા.

ભારતે પાકિસ્તાની જાસૂસો અને છત્રીદળને પકડવા ઇનામ જાહેર કર્યું અને પાકિસ્તાનમાં અફવા ફેલાઇ કે ભારતે પણ છત્રીદળને પાકિસ્તાનમાં મોકલ્યું છે. જોકે તે પાછળથી અફવા જ સાબિત થઈ.

નુક્શાનનો અંદાજ

બંને દેશોએ નુક્શાનના અંદાજ બહુ અલગ રજૂ કર્યા. નીચે મુજબ આ હતા.

ભારતીય દાવાઓ પાકિસ્તાની દાવાઓ સ્વતંત્ર સ્ત્રોતો
જાનહાનિ  –  – 3,000 ભારતીય સૈનિકો, 3,800 પાકિસ્તાની સૈનિકો
યુદ્ધ દરમિયાન વાયુસેના 4,073+ ઉડાનો 2,279 લડાઇ ઉડાનો
વિમાનને નુક્શાન 59 IAF (official), 43 PAF. વધુમાં, ભારતીય સૂત્રો દાવો કરે છે કે 13 IAF વિમાન અકસ્માતોમાં નાશ પામ્યાં 19 PAF, 104 IAF 20 PAF, 60-75 IAF; ભારત આ નથી સ્વીકારતું.
હવાઈ જીત 17 + 3 30  –
ટેન્કો નષ્ટ 128 ભારતીય રણગાડી, 152 પાકિસ્તાની ટેન્કો કબજે, સત્તાવાર રીતે 471 પાકિસ્તાની ટેન્કો નાશ અને 38 કબજે 165 પાકિસ્તાન ટેન્ક[શંકાસ્પદ ][સંદર્ભ આપો]
જમીન વિસ્તાર 1,500 square miles (3,900 km2) પાકિસ્તાની પ્રદેશ 250 square miles (650 km2) ભારતીય પ્રદેશ ભારત 1,840 square kilometres (710 sq mi) પાકિસ્તાની પ્રદેશ અને પાકિસ્તાન 210 square miles (540 km2) ભારતીય પ્રદેશ

યુદ્ધવિરામ

સંયુક્ત રાજ્ય અમેરિકા અને સોવિયત યુનિયને યુદ્ધને આગળ વધતું રોકવા મોટા પ્રમાણમાં રાજદ્વારી પ્રયત્નો કર્યા. સોવિયત યુનિયનના તત્કાલીન નેતા એલેક્સી કોસીજીનના વડપણ હેઠળ તાશ્કંદ (હાલમાં ઉઝબેકિસ્તાનમાં) ખાતે ભારતના પ્રધાનમંત્રી લાલ બહાદુર શાસ્ત્રી અને પાકિસ્તાનના રાષ્ટ્રપતિ અયુબ ખાન વચ્ચે શાંતિ મંત્રણા યોજાઈ. જેમાં નક્કી કરાયું કે ઓગષ્ટ ૧૯૬૫ની સ્થિતિમાં બંને દેશોએ ૨૫ ફેબ્રુઆરી ૧૯૬૬ પહેલાં આવી જવું.

દારુગોળો ખૂટી જવાના ડરના કારણે પાકિસ્તાની નેતાઓએ યુદ્ધવિરામ તુરંત જ સ્વીકારી લીધો. ભારતના સૈન્યના ઉગ્ર વિરોધ છતાં ભારતે આંતરરાષ્ટ્રીય દબાણ હેઠળ આવી અને યુદ્ધવિરામ સ્વીકાર્યો. ૨૨ સપ્ટેમ્બરના રોજ સંયુક્ત રાષ્ટ્રસંઘની સલામતી સમિતિએ યુદ્ધવિરામ જાહેર કરતો પ્રસ્તાવ સ્વીકાર્યો અને બીજા દિવસે યુદ્ધનો અંત આવ્યો.

યુદ્ધવિરામની જાહેરાત બાદ ભારતના પ્રધાનમંત્રી શાસ્ત્રીને જીવલેણ હ્રદયરોગનો હુમલો આવ્યો. આમ, થવાથી ભારતીયોમાં રહેલ યુદ્ધવિરામ વિરોધિ લાગણી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ તરફની સહાનુભૂતિમાં બદલાઈ ગઈ. પાકિસ્તાનમાં પણ કેટલાક લોકોએ ખોટા આધારો રજૂ કરી અને યુદ્ધવિરામનો વિરોધ કર્યો અને પાકિસ્તાને લશ્કરી ઉપલબ્ધીઓ જતી કરી હોવાનું જણાવ્યું. તેના પરિણામે વિદ્યાર્થીઓ તોફાને ચડ્યા. પાકિસ્તાનની સરકાર યુદ્ધ દરમિયાન એવા આહેવાલ છાપી રહી હતી કે તેઓ યુદ્ધ જીતી રહ્યા છે જે ભારતે શરૂ કર્યું છે. તેના કારણે લોકો એવું વિચારતા થયા કે યુદ્ધ જીતીને પાકિસ્તાને હાર સ્વીકારી. જોકે હાલમાં કેટલાક પાકિસ્તાની વિશ્લેશકોએ લખેલા પુસ્તકોએ સૈન્યની તે સમયની નબળાઈઓ છતી કરી. આ પુસ્તકોને પણ સૈન્યએ દબાવવાની કોશિષ કરી છે.

ભારત અને પાકિસ્તાન બંને એ એકબીજાને યુદ્ધવિરામ ઉલ્લંઘન કરવા જવાબદાર ગણાવ્યા છે; ભારતે પાકિસ્તાન પર ૩૪ દિવસમાં ૫૮૫ ઉલ્લંઘનનો જ્યારે પાકિસ્તાને ૪૫૦ ઉલ્લંઘનનો દાવો કર્યો છે. નાના હથિયારો વડે ગોળીબાર ઉપરાંત ભારતે તેના ફઝિલ્કા ક્ષેત્રમાં પાકિસ્તાન પર ચાન્નાવાલા ગામ કબ્જે કરવાનો આરોપ લગાવ્યો જેને ભારતે ૨૫ ડિસેમ્બરે પુનઃકબ્જે કર્યું. ૧૦ ઓક્ટોબરના દિવસે ભારતના અંબાલા હવાઈ મથક પરથી મિસાઈલ છોડી અને પાકિસ્તાનના એક કેનબેરાને નુક્શાન પહોંચાડ્યું. ૧૬ ડિસેમ્બરના રોજ પાકિસ્તાની ભૂમિસેનાના એઓપી ઓસ્ટરને ભારતના હન્ટર વિમાનોએ તોડી પાડ્યું જેમાં એક પાકિસ્તાની કેપ્ટનનું મોત થયું.

૧૯૭૧નું ભારત-પાકિસ્તાન યુદ્ધની શરૂઆત સુધી યુદ્ધવિરામ ચાલુ રહ્યો.

જાસૂસી નિષ્ફળતા

ભારત અને પાકિસ્તાન બંને પક્ષે કરાયેલી વ્યૂહાત્મક ભૂલોને કારણે યુદ્ધ મડાગાંઠમાં પરિણમ્યું -

ભારતીય ભૂલો

ભારતના જાસૂસી સંસ્થાઓએ પાકિસ્તાન તરફથી થનાર હુમલાની કોઈ જાણકારી સરકારને ન આપી. સૈન્ય છામ્બ ક્ષેત્રમાં પાકિસ્તાની ભારે તોપોની હાજરી અંગે અજાણ હતું અને પરિણામે તેણે મોટા પ્રમાણમાં નુક્શાન વેઠ્યું.

૧૯૯૨માં ભારતના રક્ષા મંત્રાલયે આ યુદ્ધનો સત્તાવાર ઇતિહાસ બહાર પાડ્યો. આ દસ્તાવેજ અનુસાર ૨૨ સપ્ટેમ્બરના રોજ સલામતી સમિતિના યુદ્ધવિરામને સ્વીકારતા પહેલાં ભારતના પ્રધાનમંત્રીએ તત્કાલીન સૈન્ય વડાને સવાલ કર્યો હતો કે જો તેઓ યુદ્ધવિરામ વિલંબથી સ્વીકારે તો તેઓ યુદ્ધ જીતી શકશે જેના જવાબમાં જનરલ ચૌધરીએ જણાવ્યું કે ભારતે પોતાનો મોખરાનો મોટાભાગનો દારૂગોળો વાપરી નાખ્યો છે અને રણગાડીઓ પણ મોટાપ્રમાણમાં ગુમાવી છે. હકીકતમાં ફક્ત ૧૪ ટકા દારુગોળો વપરાયો હતો અને ભારત પાસે પાકિસ્તાન કરતાં બમણી સંખ્યામાં રણગાડીઓ હતી. જ્યારે પાકિસ્તાને તેનો ૮૦ ટકા દારૂગોળો વાપરી નાખ્યો હતો.

તત્કાલીન એર ચીફ માર્શલ પી. સી. લાલ દ્વારા ભૂમિસેના અને વાયુસેના વચ્ચે તાલમેલનો અભાવ રજૂ કરાયો. બંને પક્ષોએ યુદ્ધની યોજના એકબીજાને જણાવી જ ન હતી. સૈન્યની યોજનામાં વાયુસેનાની કોઈ ભૂમિકા જ નહોતી.

પાકિસ્તાની ભૂલો

પાકિસ્તાને સૌપ્રથમ તો કાશ્મીરી પ્રજાનો ભારત પ્રત્યેનો અસંતોષ જ માપવામાં ભૂલ કરી. તેમણે ધારેલો બળવો ક્યારે પણ થયો જ નહિ અને કાશ્મીરીઓએ ઓપરેશન જિબ્રાલ્ટર ખુલ્લું પાડી દીધું.

પાકિસ્તાન ભારત દક્ષિણના ક્ષેત્રોમાં હુમલો કરશે તે શક્યતા પારખવામાં નિષ્ફળ રહ્યું. આમ, તેણે કાશ્મીરમાં ઘૂસણખોરીને બદલે સિઆલકોટ અને લાહોરના રક્ષણમાં સૈન્ય તૈનાત કરવું પડ્યું.

અખનુર કબ્જે કરવા શરૂ કરેલ ઓપરેશન ગ્રાન્ડ સ્લામ પણ નિષ્ફળ ગયું. કેટલાક નિષ્ણાતો અયુબ ખાનને સમયસર નિર્ણય ન લેવા જવાબદાર ગણે છે. કેમ કે અખનુર કબ્જે કરતાં બંને દેશો વચ્ચે યુદ્ધ શરૂ થવાની શક્યતા હતી. આ મોરચે આગળ વધવાં છતાં અયુબ ખાને મેજર જનરલ અખ્તર હુસૈન મલિકને નેતૃત્વમાંથી દૂર કર્યા અને જનરલ યાહ્યા ખાનને નિયુક્ત કર્યા. આમ થતાં ૨૪ કલાક જેટલો વિલંબ થયો અને તેટલામાં ભારતીય સૈન્ય અખનુર પાસે તૈનાત થઈ ગયું અને પાકિસ્તાનને નિષ્ફળતા મળી.

કેટલાક નિષ્ણાતોના મતે પાકિસ્તાનને ઇન્સ્ટીટ્યૂટ ઓફ ડિફેન્સ એનાલિસીસ, યુએસએ ખાતે થયેલ યુદ્ધ અભ્યાશને કારણે હુમલો કરવા ચાનક ચડી કેમ કે તે યુદ્ધ અભ્યાશનું પરિણામ એવું દર્શાવાયું કે ભારત સાથે યુદ્ધ થતાં પાકિસ્તાન વિજયી બનશે.

પાકિસ્તાની વાયુસેનાના વડા નુર ખાને પાછળથી કહ્યું કે યુદ્ધ માટે ભારત નહિ પરંતુ પાકિસ્તાની સૈન્ય જવાબદાર હતું.

અન્ય દેશોની ભૂમિકા

૧૯૪૭થી સંયુક્ત રાજ્ય અમેરિકા અને યુનાઈટેડ કિંગ્ડમ ભારત અને પાકિસ્તાનને સૈન્ય સંરજામ પૂરો પાડનાર મુખ્ય દેશો હતા. ભારતે સ્વતંત્રતા બાદ બિનજોડાણવાદની નીતિ અપનાવી હતી. જ્યારે પાકિસ્તાન સેન્ટો (સેન્ટ્રલ ટ્રીટી ઓર્ગેનાઈઝેશન) અને સિઆટો (સાઉથ ઈસ્ટ એશિયા ટ્રીટી ઓર્ગેનાઈઝેશન)નું સભ્ય હતું અને સામ્યવાદ સામેની લડાઈમાં પશ્ચિમી દેશોનું કહેવાતું મિત્ર હતું. યુદ્ધના ઘણા સમય પહેલાં પશ્ચિમી દેશોને પાકિસ્તાન ઉપર શંકા હતી કે તે તેમની મિત્રતા ફક્ત ભારત સામે આધુનિક હથિયારો મેળવવા પૂરતી જ રાખે છે. આથી, તેમણે પાકિસ્તાનને મર્યાદિત સૈન્ય સહાય આપી હતી. જોકે ૧૯૫૯માં પાકિસ્તાન અને અમેરિકાની સરકારો વચ્ચે કરાર થયો કે જરૂર પડ્યે અમેરિકા પાકિસ્તાનને સૈન્ય સહાય પૂરી પાડશે. ૧૯૬૫ સુધીમાં પશ્ચિમી સરકારના વિશ્લેશકોએ પાકિસ્તાન સાથેની મિત્રતાને મતલબ વિનાની ગણાવી હતી.

યુદ્ધ શરૂ થયા બાદ પશ્ચિમી દેશોએ પાકિસ્તાનને યુદ્ધ માટે જવાબદાર ગણાવ્યું અને બંને દેશોને સૈન્ય સહાય રોકી દીધી. અમેરિકાએ તટસ્થતા જાળવી જ્યારે બ્રિટીશ પ્રધાનમંત્રીએ ભારતીય સેનાની લાહોર તરફની આગેકૂચને વખોડી જેનો ભારતમાં ઉગ્ર વિરોધ થયો.

આંતરરાષ્ટ્રીય પાકિસ્તાનને મર્યાદિત સહાય મળી. ઈરાન અને તુર્કીએ સંયુક્ત નિવેદન દ્વારા ભારતને યુદ્ધ માટે જવાબદાર ગણ્યું અને સંયુક્ત રાષ્ટ્રસંઘની શાંતિસેના રૂપે કાશ્મીરમાં સૈન્ય નિયુક્ત કરવા તૈયારી બતાવી. ઇન્ડોનેશિયા, ઈરાન, તુર્કી અને સાઉદી અરેબિયા એ અનુક્રમે નૌકાદળ માટે છ નૌકાઓ, જેટ ઇંધણ, બંદુકો અને ગોળીઓ તથા આર્થિક મદદ મોકલાવી.

યુદ્ધ પહેલાંથી જ ચીન પાકિસ્તાનનું સૈન્ય સહિયોગી હતું. ૧૯૬૨નું ભારત-ચીન યુદ્ધને કારણે તે ભારતનું સૈન્ય વિરોધિ પણ બન્યું હતું. ૧૯૬૫માં પાકિસ્તાનને ચીને ૬૦ મિલિયન ડોલરની વિકાસ સહાય પણ કરી હતી. ચીને યુદ્ધ દરમિયાન ખુલ્લી રીતે પાકિસ્તાનનો પક્ષ લીધો. આ યુદ્ધનો ફાયદો લઈ તેણે ભારતને તિબેટમાં આક્રમક વલણ દાખવવા સામે ચેતવણી આપી અને અણુહુમલાની પણ ધમકી આપી. ચીનના હુમલાના ડર છતાં ચીને હુમલો ન કર્યો. તેની પાછળ ચીનની સૈન્ય પરિવહનની મુશ્કેલી અને ૧૯૬૨ પછી ભારતીય સૈન્યના બળમાં વધારો કારણભૂત હતો. ચીનને પણ અમેરિકા અને સોવિયેત સરકારોએ કડક ચેતવણી આપી અને યુદ્ધમાં સામેલ ન થવા જણાવ્યું હતું. આ દબાણ સામે ચીને હુમલાનો વિચાર પડતો મૂક્યો. અંતે ચીનનો સૈન્ય મદદનો પ્રસ્તાવ પાકિસ્તાને પણ પડતો મૂક્યો કેમકે તેમ કરવાથી તે આંતરરાષ્ટ્રીય સ્તરે તે વધુ વિખુટું પડી જવાની શક્યતા હતી. આંતરરાષ્ટ્રીય મતે ચીનની ગતિવિધિ જવાબદારી વિહોણી અને આક્રમક હતી.

ભારતના બિનજોડાણવાદી જૂથના દેશોએ તેને બહુ ઓછી મદદ કરી. ઈન્ડોનેશિયા આ જૂથનું સભ્ય હોવા છતાં તેણે પાકિસ્તાનને સહાય કરી તે ભારત માટે રાજદ્વારી આંચકો હતો. સોવિયત યુનિયન પણ અન્ય દેશ કરતાં વધુ તટસ્થ રહ્યું.

યુદ્ધ બાદના પડઘા

ભારત

યુદ્ધવિરામની ઘોષણા છતાં ભારતને કાશ્મીરમાં પાકિસ્તાન પ્રેરિત બળવો રોકવા માટે વિજેતા ગણવામાં આવ્યું. ઓક્ટોબર ૧૯૬૫માં ટાઈમ મેગેઝિન અનુસાર-

હવે સૌને એ દેખીતું છે કે ભારત એક એશિયાઈ તાકાત તરીકે આગળ આવશે.

ભારત-ચીન યુદ્ધની નિષ્ફળતા બાદ ૧૯૬૫ના યુદ્ધને ભારતમાં "રાજકીય-વ્યૂહાત્મક" વિજય ગણવામાં આવ્યો અને તત્કાલીન પ્રધાનમંત્રી લાલ બહાદુર શાસ્ત્રીને રાષ્ટ્રીય નાયક ઘોષિત કરાયા.

ભારતીય સૈન્યનું પ્રદર્શન એકંદરે પ્રશસ્તિને લાયક હતું પણ તેના સૈન્ય નેતૃત્વને ટીકાનો સામનો કરવો પડ્યો. ઈતિહાસકાર જેરેમી બ્લેકના મતે ભારતે પાકિસ્તાને મોટું નુક્શાન સહેવા છતાં યુદ્ધવિરામ વહેલો સ્વીકારી લીધો આ મોટી ભૂલ હતી.

૨૦૧૫માં ભારતના આ યુદ્ધના એકમાત્ર જીવિત કમાન્ડર માર્શલ ઓફ ધ એર ફોર્સ અર્જન સિંઘે જણાવ્યું કે આંતરરાષ્ટ્રીય દબાણને કારણે ભારતે યુદ્ધવિરામ સ્વીકાર્યો જો યુદ્ધ થોડા દિવસ ખેચાયું હોત તો પાકિસ્તાન શરણાગતિ સ્વીકારી લેત.

યુદ્ધના પરિણામે ભારતે સૈન્યની ત્રણે પાંખો વચ્ચે આંતરિક સંદેશાવ્યવહાર અને તાલમેલ વધારવાની કાર્યવાહી પર ધ્યાન આપ્યું. ભારતે રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગની પણ સ્થાપના કરી જેને બાહ્ય જાસુસીનું કામ સોંપાયું. આ તમામ બાબતોનું પરિણામ ૧૯૭૧નું ભારત-પાકિસ્તાન યુદ્ધમાં દેખાયું જેમાં ભારતે વિજય હાંસલ કર્યો.

ચીનની વારંવાર યુદ્ધમાં દાખલ થવાની ધમકીને કારણે ભારતે અણુ હથિયારો વિક્સાવવા માટે પગલાં લીધાં. અમેરિકાની વારંવાર ખાતરી છતાં ભારત વિરુદ્ધના યુદ્ધમાં પાકિસ્તાને અમેરિકન બનાવટનાં શસ્ત્રો વાપર્યાં અને તેના કારણે ભારત નારાજ થયું. તે જ સમયે પશ્ચિમી દેશોએ ભારતને આધુનિક હથિયારો આપવા ના કહી જેથી સંબંધો વધુ વણસ્યા. બિનજોડણવાદી દેશોએ પણ મોકાના સમયે સાથ ન આપતાં ભારતે તેની વિદેશનીતિમાં મોટો સુધારો કર્યો અને તે સોવિયત યુનિયનની વધુ નજીક ગયું. તે દાયકાના અંત સુધીમાં સોવિયત યુનિયન ભારતનું શસ્ત્ર આપતું સૌથી મોટું ભાગીદાર બન્યું. ૧૯૬૭થી ૧૯૭૭ સુધી ભારતના ૮૧ ટકા શસ્રો સોવિયત સરકારે આપ્યાં. યુદ્ધ બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેની શસ્ત્રદોડ એકતરફી બની અને ભારતે પાકિસ્તાનને બહુ પાછળ છોડી દીધું.

પાકિસ્તાન

યુદ્ધ બાદ ઘણા પાકિસ્તાનીઓએ ધાર્યું કે તેમની સેનાએ સારું પ્રદર્શન કર્યું હતું. લાહોરના રક્ષણમાં સફળતાના માનમાં ૬ સપ્ટેમ્બરને ડિફેન્સ દિવસ તરીકે પાકિસ્તાનમાં ઉજવવામાં આવે છે.

જોકે વિદેશી નિષ્ણાતોના મતે પાકિસ્તાની સરકારે તેના નાગરિકોને ખોટી માહિતી આપવાનો દાવો કર્યો. એસ એમ બર્ક તેમના પુસ્તકમાં નીચે મુજબ જણાવે છે-

૧૯૬૫ના યુદ્ધ સૈન્ય તાકાતના મુદ્દે ભારતનો પક્ષ મજબુત થયો હતો. પાકિસ્તાનને સરંજામને થયેલ નુક્શાન અને તેના સ્થાને નવા સરંજામને ખરીદવામાં ઘણી મુશ્કેલી પડી. જ્યારે ભારત આમાં સફળ રહ્યું.

મોટા ભાગના નિષ્ણાતોના મતે પાકિસ્તાન સૈન્યની છબીને નુક્શાન પહોંચ્યું હતું. અનેક પાકિસ્તાની લેખકોએ સૈન્યની ખોટી માનસિકતાને જવાબદાર ગણાવી. રસુલ બક્ષ રઇસ અનુસાર-

૧૯૬૫ના યુદ્ધથી એ સાબિત થયું કે પાકિસ્તાન બ્લિટ્ઝક્રિગ (વીજળીવેગનો હુમલો) દ્વારા ભારતીય રક્ષણાત્મક હરોળ ભેદી નહિ શકે અને લાંબા સમય સુધી યુદ્ધ પણ ન લડી શકે.

પાકિસ્તાનની સૈન્ય પાંખોમાં પાકિસ્તાની વાયુસેનાના માનમાં વધારો થયો અને આંતરરાષ્ટ્રીય નિષ્ણાતોએ પણ તેની પ્રસંશા કરી. વાયુસેનાની સજાગતાને કારણે લાહોરનું રક્ષણ કરવામાં અને ભારત પર વળતા હુમલા કરવામાં પાકિસ્તાન સફળ થયું.

વધુમાં, પાકિસ્તાને જમીન મેળવવા કરતાં ગુમાવી વધુ હતી. ઉપરાંતમાં કાશ્મીર કબ્જે કરવાના લક્ષ્યાંકમાં પણ તેને નિષ્ફળતા મળી હતી. આથી તટસ્થ નિષ્ણાતો યુદ્ધને પાકિસ્તાનની હાર ગણે છે.

ઘણા પાકિસ્તાની સૈન્ય જાણકારોએ ઓપરેશન જિબ્રાલ્ટરની યોજનાને વખોડી. પાકિસ્તાનમાં તાશ્કંદ કરારને પણ વખોડવામાં આવ્યા. ઝુલ્ફિકાર અલી ભુટ્ટોની સલાહ પર ચાલતાં અયુબ ખાન માટે યુદ્ધમાં હાર રાજકીય સંકટમાં પરિવર્તિત થઈ અને તેમના વિરોધિઓએ વધુ સક્રિય થવા પ્રયાસ કર્યા.

યુદ્ધનું સૌથી મોટી આડ અસર પાકિસ્તાનમાં સર્જાયેલી આથિક મંદી હતી. ૬૦ના દાયકાની શરુઆતમાં પાકિસ્તાનની વૃદ્ધિ જે ઝડપ હતી તે યુદ્ધ બાદ ઘટી ગઈ. ૧૯૬૪થી ૧૯૬૬ વચ્ચે પાકિસ્તાને સંરક્ષણ પાછળ થતા ખર્ચને સ્થાનિય ઉત્પાદનના ૪.૮૨ % થી વધારી અને ૯.૮૬ % કરી દીધો અને તે ૧૯૭૦-૭૧માં ૫૫.૬૬ % સુધી પહોંચી ગયો જે પાકિસ્તાનના અર્થતંત્ર માટે ખૂબ જ નુક્શાનકારક સાબિત થયો. નિષ્ણાતોના મતે યુદ્ધ પાકિસ્તાન માટે આર્થિક, રાજકીય અને સૈન્ય દ્રષ્ટિએ નુક્શાનકારક સાબિત થયું. આણ્વિક વિજ્ઞાનના નિષ્ણાત ફિરોઝ ખાનના મતે આ યુદ્ધ કાશ્મીર છીનવવાનો છેલ્લો રુઢિગત પ્રયાસ હતો. અમેરિકા સાથે પાકિસ્તાનના સંબંધો ખરાબ થયા જ્યારે ચીન સાથે મજબુત થયા. જનરલ તારીક માજીદના દાવા મુજબ ચીની નેતા ઝાઉ-એન-લાઈએ પાકિસ્તાનને એવી સલાહ આપી હતી કે ભારત સાથે હાલમાં યુદ્ધ કરી કાશ્મીર જીતવા પ્રયાસ ન કરવો પરંતુ પોતાના સૈન્યનો વિકાસ કરી ૨૦-૩૦ વર્ષ બાદ આમ કરવું.

અમેરિકા દ્વારા સમર્થન ન મળવાને કારણે પાકિસ્તાન આશ્ચર્યમાં મુકાયું હતું. અમેરિકા યુદ્ધ દરમિયાન તટસ્થ રહ્યું અને બંને દેશોને સૈન્ય સરંજામ આપવાનું બંધ કર્યું. પાકિસ્તાને આને દ્રોહ ગણ્યો.

વધુ એક નકારાત્મક અસર તરીકે પૂર્વ પાકિસ્તાનમાં (હાલનું બાંગ્લાદેશ) પાકિસ્તાની સરકાર વિરુદ્ધનો અસંતોષમાં વધારો હતી. બંગાળી નેતાઓએ આરોપ લગાવ્યો કે કાશ્મીરના યુદ્ધ માટે તેમની પાસેથી મોટા પ્રમાણમાં ભંડોળ લેવામાં આવ્યું પરંતુ તેમની સુરક્ષા માટે કોઈ પ્રબંધ કરવામાં આવ્યો નહિ. પાકિસ્તાની વાયુસેનાએ પૂર્વ પાકિસ્તાનમાં રહેલા તેમના મથક પરથી કેટલાક ભારતીય લક્ષ્યાંકો પર હુમલા કર્યા તેમ છતાં ભારતે તે ક્ષેત્રમાં એકપણ હુમલો કર્યો નહિ. પૂર્વ પાકિસ્તાનનું રક્ષણ એકપણ રણગાડી વિના ફક્ત એક ૧૪મી પાયદળ ડિવિઝન અને ૧૬ વિમાનો જ કરી રહ્યા હતા.

સૈન્ય પુરસ્કાર

યુદ્ધ સન્માન

ભારતીય સેનાએ યુદ્ધ બાદ ૧૬ યુદ્ધ સન્માન અને ૩ મોરચા સન્માન એનાયત કર્યાં. જેમાં જમ્મુ અને કાશ્મીર ૧૯૬૫, પંજાબ ૧૯૬૫, રાજસ્થાન ૧૯૬૫, અસલ ઉત્તર, બર્કિ, ડોગરાઈ, હાજીપીર, કાલીધાર, ઓપી હિલ, ફિલોરા હતા.

વીરતા પુરસ્કાર

નીચે મુજબના સૈનિકોને ભારતનો સર્વોચ્ચ વીરતા પુરસ્કાર પરમવીર ચક્ર અને પાકિસ્તાનનો નિશાન-એ-હૈદર એનાયત કરાયો.

  • મેજર રાજા અઝીઝ ભટ્ટી


નોંધ

સંદર્ભ

પુસ્તકો

Tags:

૧૯૬૫નું ભારત-પાકિસ્તાન યુદ્ધ યુદ્ધ પહેલાં૧૯૬૫નું ભારત-પાકિસ્તાન યુદ્ધ યુદ્ધ૧૯૬૫નું ભારત-પાકિસ્તાન યુદ્ધ નુક્શાનનો અંદાજ૧૯૬૫નું ભારત-પાકિસ્તાન યુદ્ધ યુદ્ધવિરામ૧૯૬૫નું ભારત-પાકિસ્તાન યુદ્ધ જાસૂસી નિષ્ફળતા૧૯૬૫નું ભારત-પાકિસ્તાન યુદ્ધ અન્ય દેશોની ભૂમિકા૧૯૬૫નું ભારત-પાકિસ્તાન યુદ્ધ યુદ્ધ બાદના પડઘા૧૯૬૫નું ભારત-પાકિસ્તાન યુદ્ધ સૈન્ય પુરસ્કાર૧૯૬૫નું ભારત-પાકિસ્તાન યુદ્ધ નોંધ૧૯૬૫નું ભારત-પાકિસ્તાન યુદ્ધ સંદર્ભ૧૯૬૫નું ભારત-પાકિસ્તાન યુદ્ધ પુસ્તકો૧૯૬૫નું ભારત-પાકિસ્તાન યુદ્ધજમ્મુ અને કાશ્મીરપાકિસ્તાનભારતસંયુક્ત રાજ્ય અમેરિકાસંયુક્ત રાષ્ટ્રસંઘ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

અંકશાસ્ત્રઆતંકવાદઅમદાવાદ બીઆરટીએસવર્ણવ્યવસ્થાયુનિફોર્મ રિસોર્સ લોકેટરક્રિકેટ વિશ્વ કપ ૨૦૦૭ગુજરાતના તાલુકાઓઅમદાવાદની પોળોની યાદીકર્મ યોગમોરબીભારતનું બંધારણકુમારપાળઈલેક્ટ્રોનમહેસાણાકુતુબ મિનારતાલુકા મામલતદારકસ્તુરબાખેતીમુસલમાનભારતનું સર્વોચ્ચ ન્યાયાલયજ્ઞાનપીઠ એવોર્ડડાઉન સિન્ડ્રોમગંગાસતીત્રિકમ સાહેબઉત્તરવાહિની નર્મદા પરિક્રમાસરસ્વતીચંદ્રહાફુસ (કેરી)દિવાળીબેન ભીલસમાજવાદરાજસ્થાનીભારતનું સ્થાપત્યઉચ્ચતર માધ્યમિક શાળારાધાસમાજઇતિહાસઘઉંઅશોકશક સંવતકેદારનાથ જ્યોતિર્લિંગઉજ્જૈનકળિયુગઆઇઝેક ન્યૂટનબાણભટ્ટરૂઢિપ્રયોગછેલ્લો દિવસ (ચલચિત્ર)અક્ષરધામ (દિલ્હી)પટેલધોળાવીરાસામવેદતિથિસ્વાદુપિંડવીંછુડોપાટણવંદે માતરમ્ધારાસભ્યશિક્ષણનું સમાજશાસ્ત્રગોખરુ (વનસ્પતિ)આણંદ જિલ્લોબંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયગાંધીનગરગુલાબઉર્વશીઆયુર્વેદદ્રાક્ષરાષ્ટ્રવાદબોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાસામ પિત્રોડાહરિવંશબુર્જ દુબઈશિવાજી જયંતિલિપ વર્ષહનુમાન ચાલીસાભવનાથનો મેળોગઝલમોરારજી દેસાઈહિમાલયબાબાસાહેબ આંબેડકરગુજરાતી રંગભૂમિ🡆 More