ગુજરાતી સિનેમા: ગુજરાતી ભાષા ફિલ્મ ઉદ્યોગ

ગુજરાતી સિનેમા, સામાન્ય રીતે ઢોલીવૂડ તરીકે ઓળખાય છે, માં પ્રારંભકાળથી અત્યાર સુધીમાં ૧૦૦૦ કરતાં વધુ ચલચિત્રો નિર્માણ પામ્યા છે.

ભારતીય સિનેમા ઉદ્યોગનો પ્રાદેશિક અને સ્થાનિક ભાષાના મોટા સિનેમા ઉદ્યોગમાંનો એક એવો ગુજરાતી ભાષા સાથે જોડાયેલો ઉદ્યોગ છે. મુંગી ફિલ્મોનાં જમાનામાં, સિનેઉદ્યોગમાં વ્યક્તિગત રીતે ઘણાં ગુજરાતીઓ હતા. ગુજરાતી સિનેમાનાં છેડા ભુતકાળમાં છેક ૧૯૩૨ સુધી લંબાય છે, જ્યારે ૯ એપ્રિલ ૧૯૩૨ના રોજ પ્રથમ ગુજરાતી ચલચિત્ર (બોલપટ) નરસિંહ મહેતા રજૂ થયું હતું. ૧૯૬૦, ૭૦ અને ૮૦ના દશકમાં ફાલ્યા ફૂલ્યાં પછી આ ઉદ્યોગની પડતી શરૂ થઈ. ૨૦૦૦માં તો નવા બનેલાં ચલચિત્રોનો આંક ૨૦ કરતાં પણ ઓછો થઈ ગયો હતો. ત્યાર પછી ગ્રામ્ય વિસ્તારોની માંગ અને પછીથી નવી નવી તકનિકો તથા ચલચિત્રોમાં શહેરી વિષયોના સમાવેશને કારણે ૨૦૧૦માં વળી આ ઉદ્યોગમાં આંશિકરૂપે તેજી આવી. વળી ૨૦૦૫માં તો સરકારે ગુજરાતી ફિલ્મોને ૧૦૦% કરમુક્ત જાહેર કરી હતી, અને ૨૦૧૬માં પ્રોત્સાહનોની નીતિ પણ અમલમાં આવી.

ગુજરાતી સિનેમા: વ્યુત્પતિ, ઇતિહાસ, વિષયો
નરસિંહ મહેતા (૧૯૩૨) એ પૂર્ણકક્ષાનું પ્રથમ ગુજરાતી ચલચિત્ર હતું.

વ્યુત્પતિ

ગુજરાતી સિને ઉદ્યોગનું હુલામણું નામ ઢોલીવૂડ, મુંબઈ (ત્યારે બોમ્બે કહેવાતું) સ્થિત સિનેમા ઉદ્યોગના હુલામણા નામ, બોલીવૂડ થી પ્રેરીત છે. ગુજરાતી ચલચિત્રોમાં વિપુલ પ્રમાણમાં ઢોલનો ઉપયોગ થતો હોવાને કારણે આ નામ પડી ગયું છે. તદ્‌ઉપરાંત, ગુજરાત અને બોલીવૂડ એ બંન્ને શબ્દોનાં સંયોજન દ્વારા પડેલું અન્ય હુલામણું નામ છે, ગોલીવૂડ.

ઇતિહાસ

મુંગી ફિલ્મોનો યુગ (૧૯૧૩–૧૯૩૧)

ગુજરાતી સિનેમા: વ્યુત્પતિ, ઇતિહાસ, વિષયો 
અંગ્રેજ સત્તા દ્વારા પ્રતિબંધિત કરાયેલું પ્રથમ ચલચિત્ર ભક્ત વિદુર (૧૯૨૧).
ગુજરાતી સિનેમા: વ્યુત્પતિ, ઇતિહાસ, વિષયો 
અનોખી ગુજરાતી શૈલીમાં લખાયેલી સિનેમાનાં શૉની સમયસારણી

બોલપટનાં આગમન પહેલાંથી જ ઘણી બધી મુંગી ફિલ્મો ગુજરાતી લોકો અને સંસ્કૃતિ સાથે સંકળાયેલી રહી હતી, ઘણાં દિગ્દર્શકો, નિર્માતાઓ અને કલાકારો ગુજરાતી અને પારસીઓ હતા. ૧૯૧૩ થી ૧૯૩૧ દરમિયાન બોમ્બે (હવે મુંબઈ)માં ગુજરાતીઓની માલીકીનાં ૨૦ જેટલાં સિનેમા નિર્માણગૃહો કે ફિલ્મ કંપનીઓ હતાં; અને ઓછામાં ઓછા ૪૪ મોખરાનાં ગુજરાતી દિગ્દર્શકો હતા.

મુંગી ફિલ્મ બિલ્વમંગલ (ભક્ત સૂરદાસ, ૧૯૧૯, તરીકે પણ ઓળખાયેલી) ગુજરાતી પારસી રુસ્તમજી ધોતીવાલાએ દિગ્દર્શિત કરી હતી, અને તેની વાર્તા ગુજરાતી લેખક ચાંપશી ઉદેશીએ લખી હતી. આ પૂર્ણ લંબાઈની (૧૩૨ મિનિટ્સ, 12,000 feet (3,700 m)) ફિલ્મ કલકત્તા (હવે કોલકાતા, પશ્ચિમ બંગાળ)ની એલ્ફિનસ્ટોન બાયોસ્કોપ કંપનીએ નિર્માણ કરી હતી, તે બંગાળી ફિલ્મ મનાય હતી. ૧૯૧૯માં, પ્રખ્યાત ગુજરાતી સામયિક વીસમી સદીના સંપાદક, હાજીમહંમદ અલ્લારખાની મદદથી સુચેત સિંઘે ’ઓરિએન્ટલ ફિલ્મ મેન્યુફેક્ચરીંગ કંપની ઓફ બોમ્બે’ની સ્થાપના કરી હતી. મુંગી ફિલ્મ નરસિંહ મહેતા (૧૯૨૦) આ ઓરિએન્ટ કંપનીએ બનાવેલી, જે ફિલ્મમાં પડદા પર જ્યારે સંબંધિત દ્રશ્યો દર્શાવાય ત્યારે ગીત "વૈષ્ણવજન તો.." સિનેમા ખંડમાં ઉપસ્થિત સંગીતકારો અને દર્શકો દ્વારા ગાવામાં આવતું હતું.

શરુઆતના ગુજરાતી સિનેમાના નિર્માતા દ્વારકાદાસ સંપત સિનેમા જગત સાથે રાજકોટ ખાતે જોડાયા. તેમણે એક પ્રક્ષેપક ખરીદ્યું અને ચલચિત્રોના ખેલ યોજવા લાગ્યા. તેમને ચલચિત્રોના નિર્માણ માટે પાછળથી એસ એન પાટણકર સાથે મળી અને પાટણકર ફ્રેન્ડસ એન્ડ કુંની સ્થાપના કરી. આ કંપનીનું પ્રથમ ચલચિત્ર રાજા શ્રીયાલ હતું; પરંતુ ક્ષતિયુક્ત મુદ્રણને કારણે તેને પ્રદર્શિત ન કરી શકાયું. પાટણકર દ્વારા દિગ્દર્શિત ચલચિત્ર કચ-દેવયાની (૧૯૨૦)માં પ્રથમ વખત ગરબા નૃત્યનો પ્રયોગ થયો અને આમ, ચલચિત્રમાં પ્રથમ વખત ગુજરાતી સંસ્કૃતિને પ્રદર્શિત કરવામાં આવી. સંપતે ત્યારબાદ કોહીનુર ફિલ્મ કંપનીની સ્થાપના કરી અને તેનું પ્રથમ ચલચિત્ર સતી પાર્વતી (૧૯૨૦) હતું. ગુજરાતી સંસ્કૃતિનું પ્રદર્શન કરતા ચલચિત્રનું દિગ્દર્શન વિષ્ણુપંત દિવાકર દ્વારા કરવામાં આવ્યું હતું અને તેમાં રાજકોટના અભિનેત્રી પ્રભાને પાર્વતીના પાત્રમાં દર્શાવવામાં આવ્યા. ૧૯૨૧માં કાનજીભાઈ રાઠોડ દિગ્દર્શિત ચલચિત્ર ભક્ત વિદુર ગર્ભિત રાજકીય સંદેશ ધરાવતું હતું. આ ચલચિત્રમાં સંપત વિદુરના પાત્રમાં હતા જે ગાંધી ટોપી પહેરતું દર્શાવાયું હતું. તે મહાત્મા ગાંધીના નેતૃત્વ હેઠળ ચાલી રહેલ ભારતીય સ્વતંત્રતા ચળવળ તરફ અછડતો સંકેત કરતો હતો. તત્કાલીન કોંગ્રેસના ધ્વજમાં રહેલ રેંટિયોના ચિહ્નનો સંદર્ભ આપતું અને ગુજરાતી ગીત રુડો મારો રેંટિયો, રેંટિયામાં નીકળે તાર, તાર તારે થાય ભારતનો ઉદ્ધાર પણ ચલચિત્રમાં સામેલ હતું. અંગ્રેજ સરકાર દ્વારા ભારતમાં પ્રતિબંધિત આ પ્રથમ ચલચિત્ર હતું. તેને ધર્મ વિજય નામ હેઠળ ૧૯૨૨માં ફરીથી પ્રદર્શિત કરવામાં આવ્યું. પાવાગઢનું પતન (૧૯૨૮) ચલચિત્રનું દિગ્દર્શન નગેન્દ્ર મજમુદાર દ્વારા અને નિર્માણ ઇન્દુલાલ યાજ્ઞિક દ્વારા કરવામાં આવ્યું હતું. યાજ્ઞિક સ્વતંત્રતા સેનાની હતા અને પાછળથી તેમણે અલગ ગુજરાત રાજ્યની માંગણી કરતી મહાગુજરાત આંદોલનનું નેતૃત્વ કર્યું હતું. યાજ્ઞિકે વિવિધ શીર્ષકો હેઠળ દસ ચલચિત્રોનું નિર્માણ કર્યું.

મૂંગા ચલચિત્રોના સમયકાળમાં કોહીનુરએ ઘણા ચલચિત્રોનું નિર્માણ કર્યું જેમાં પૌરાણિક કથાઓ વિષયવસ્તુનું પ્રભુત્વ ધરાવતા ચલચિત્રોના યુગમાં સામાજિક સમસ્યાઓ પરના ચલચિત્રો સામેલ છે. તેની પ્રથમ સામાજિક ફિલ્મ ૧૯૨૦માં પ્રદર્શિત કટોરાભર કાનુન હતી. ગુજરાતી સાહિત્યના વિખ્યાત કવિ કલાપીની આત્મકથારુપ કવિતા હ્રદય ત્રિપુટી પર બનેલ ચલચિત્ર મનોરમા (૧૯૨૪)નું દિગ્દર્શન હોમી માસ્ટર દ્વારા કરવામાં આવ્યું હતું. મોહનલાલ દવે દ્વારા લિખિત અને રાઠોડ દ્વારા દિગ્દર્શિત ચલચિત્ર ગુલ-એ-બકાવલી આશરે ૧૪ અઠવાડિયા સુધી સફળતાપૂર્વક પ્રદર્શિત થઈ. પ્રયોગશીલ અને પ્રગતીશીલ ગુજરાતી દિગ્દર્શક મણિલાલ જોષીએ ૧૯૨૨માં અભિમન્યુનું દિગ્દર્શન કર્યું અને તેનું નિર્માણ સ્ટાર ફિલ્મ કંપની દ્વારા કરાયું. આ જ દિગ્દર્શકે પછીથી કનૈયાલાલ મુનશી રચિત નવલકથા પૃથિવીવલ્લભ પરથી તે જ નામના ચલચિત્રનું દિગ્દર્શન કર્યું.

માણેકલાલ પટેલની માલિકીની ૧૯૨૪માં સ્થપાયેલ ધ ક્રિષ્ના ફિલ્મ કંપનીએ ૧૯૨૫ અને ૧૯૩૧ વચ્ચે ૪૪ ફિલ્મોનું નિર્માણ કર્યું. ૧૯૨૫માં સ્થપાયેલ ધ શારદા ફિલ્મ કંપનીને નાણાકીય આધાર માયાશંકર ભટ્ટ દ્વારા આપવામાં આવ્યો અને તેને ભોગીલાલ દવે અને નાનુભાઈ દેસાઈ દ્વારા ચલાવવામાં આવી. ભટ્ટે પાછળથી દાદાસાહેબ ફાળકેની હિન્દુસ્તાન સિનેમા ફિલ્મ કંપનીને પણ નાણાકીય આધાર આપ્યો.

શરુઆતના બોલતા ચલચિત્રો (૧૯૩૨-૧૯૪૭)

૧૯૩૧માં ભારતની સૌપ્રથમ ધ્વનિમુદ્રણ ધરાવતા ચલચિત્ર આલમ આરા પહેલાં, ૪ ફેબ્રુઆરી ૧૯૩૧ના રોજ બોમ્બે ખાતે ચાવ ચાવનો મુરબ્બો નામનું ટૂકું ચલચિત્ર પ્રદર્શિત કરવામાં આવ્યું. તેમાં મને માંકડ કરડે ગીત હતું અને આ કોઈપણ ભારતીય ચલચિત્રમાં પ્રથમ ધ્વનિમુદ્રણ હતું. આ ચલચિત્રનું નિર્માણ માણેકલાલ પટેલ દ્વારા કરાયું હતું અને ગીતના શબ્દો તેમજ સંવાદ નટવર શ્યામ દ્વારા લખવામાં આવ્યા હતા. ચલચિત્રનું શીર્ષક મુરબ્બો ગળેથી નીચે ઉતારવા ચાવવો પડે એવો સંદર્ભ આપતો હતો અને શીર્ષકનો મોટાભાગે ચલચિત્ર સાથે કોઈ સંબંધ ન હતો.

પ્રથમ સંપૂર્ણ ગુજરાતી બોલતું ચલચિત્ર નરસિંહ મહેતા (૧૯૩૨) રજૂ થયા પહેલાં બે ટૂંકી ગુજરાતી ફિલ્મો હિંદી બોલતી ફિલ્મો સાથે પ્રદર્શિત કરવામાં આવી. ઇમ્પિરીયલ ફિલ્મ કંપની દ્વારા નિર્મિત બે રીલ ધરાવતી ટૂંકી ગુજરાતી બોલતી ફિલ્મ કૃષ્ણ-સુદામાને હિંદી ચલચિત્ર નેક અબળા સાથે પ્રદર્શિત કરવામાં આવી. અન્ય ચલચિત્ર મુંબઈની શેઠાણીને ૯ જાન્યુઆરી ૧૯૩૨ના રોજ મદનની શિરીં ફરહાદ સાથે રજૂ કરાઈ. આ ચલચિત્રને કલકત્તાના રંગમંચ દ્વારા નિર્માઇ હતી અને તેના લેખક ચાંપશી ઉદેશી હતા. આ ચલચિત્રમાં મોહન, મિસ શરીફા અને સુરજરામ દ્વારા અભિનય કરાયો હતો અને તેમાં ગુજરાતી ગીત ફેશનની ફિસિયારી, જુઓ મુંબઈની શેઠાણી હતું.

ઈ.સ. ૧૯૩૨માં સૌ પ્રથમ ગુજરાતી ફિલ્મ નરસિંહ મહેતા આવી અને તેને ગુજરાતી સિનેમાની સાચી શરુઆત ગણવામાં આવે છે. આના દિગ્દર્શક નાનુભાઈ વકીલ હતા. આ ફિલ્મમાં મોહનલાલા, મારુતીરાવ, માસ્ટર મનહર અને મિસ મહેતાબ કલાકાર હતા. આ એક સંત ચરિત્ર ફિલ્મ હતી જે સંત નરસિંહ મહેતાના જીવન પર આધારિત હતી. આ ફિલ્મ અનોખી હતી કેમકે તેમાં કોઈ ચમત્કાર આદિ બતાવવામાં આવ્યાં ન હતા.

ત્યારબાદ સાવિત્રી અને સત્યવાનના મહાકાવ્ય પર આધારિત ચલચિત્ર સતી સાવિત્રી (૧૯૩૨) પ્રદર્શિત થયું અને હોમી માસ્ટર દ્વારા દિગ્દર્શિત હાસ્યપ્રેરક ચલચિત્ર ઘર જમાઈ (૧૯૩૫). તે ચલચિત્રમાં હીરા, જમના, બેબી નૂરજેહાન, અમ્મુ, અલિમિંયા, જમશેદજી અને ગુલામ રસુલ દ્વારા અભિનય આપવામાં આવ્યો હતો. આ ફિલ્મ ઘર જમાઈ, સ્ત્રી સ્વાતંત્ર્ય સંબંધે પાત્રનો વિરોધ અને તેના કારનામાંઓ પર આધારિત હાસ્ય ફિલ્મ હતી.

એક ફિલ્મ "ગુણસુંદરી" નો ખાસ ઉલ્લેખ થાય છે, કેમકે આ ફિલ્મ ૧૯૨૭ થી ૧૯૪૮ વચ્ચે ત્રણ વખત બની હતી. ચંદુલાલ શાહ દ્વારા ૧૯૨૭માં બનેલી તે પ્રથમ ફિલ્મ એટલી પ્રસિદ્ધ થઈ કે તેમણે ૧૯૩૪માં તેને ફરીથી બનાવી. રતિલાલ હેમચંદ પુનાતરે ફરી તેને ૧૯૪૮માં બનાવી. હિંદી ફિલ્મોની પ્રસિદ્ધ ચરિત્ર અભિનેત્રી નિરુપા રોયે આ ફિલ્મથી પોતાની કારકિર્દી શરૂ કરી હતી. આ ચલચિત્રમાં ગરીબ ભારતીય મહિલા કેન્દ્રમાં છે જેને તેના ઉચ્ચ નૈતિક સંસ્કારોને કારણે તેનો પતિ ધુત્કારે છે. તે સ્ત્રીને ઘરની બહાર કરી દેવામાં આવે છે અને તે માર્ગ પર તેના જ જેવા સામાજિક બહિષ્કૃત વ્યક્તિના સંપર્કમાં આવે છે. અહીં વાર્તા પૂરી થાય છે, જોકે ત્રણે ચલચિત્રોમાં તેને સમકાલીન સંજોગો દર્શાવતા ફેરફારો કરવામાં આવ્યા છે.

૧૯૩૨થી ૧૯૪૬ વચ્ચે ૧૨ ચલચિત્રો રજૂ કરવામાં આવ્યા. ૧૯૩૩, ૧૯૩૭ અને ૧૯૩૮માં કોઈ ગુજરાતી ચલચિત્રો પ્રદર્શિત ન કરાયાં. ૧૯૪૧થી ૧૯૪૬ વચ્ચે બીજું વિશ્વ યુદ્ધને કારણે વિવિધ કાચી સામગ્રીઓનું વિતરણ નિયંત્રિત કરવામાં આવ્યું અને તેથી તે દરમિયાન કોઈ ગુજરાતી ચલચિત્રોનું નિર્માણ ન થયું.

સ્વતંત્રતા પછી (૧૯૪૭-૧૯૭૦)

૧૯૪૭માં ભારતને સ્વતંત્રતા મળ્યા બાદ ગુજરાતી ચલચિત્રોના નિર્માણમાં એકદમ ઉછાળો આવ્યો. ફક્ત ૧૯૪૮માં ૨૬ ચલચિત્રોનું નિર્માણ કરવામાં આવ્યું. ૧૯૪૬થી ૧૯૫૨ વચ્ચે ૭૪ ચલચિત્રોનું નિર્માણ કરવામાં આવ્યું જેમાં ૨૭ ચલચિત્રો સંત, સતી અથવા ડાકુઓ પર કેન્દ્રિત વિષયો પર આધારિત હતી. આ કથાઓ તેમનાથી પરિચિત એવા ગ્રામ્ય વિસ્તારના દર્શકો માટે હતી. વધુમાં, અનેક ચલચિત્રો લોકોને જ્ઞાત હોય તેવી પૌરાણિક અને લોકકથાઓ પર આધારિત હતા.

વિષ્ણુકુમાર એમ વ્યાસ દ્વારા દિગ્દર્શિત ચલચિત્ર રાણકદેવી (૧૯૪૬) એ રાણકદેવીની દંતકથા પર આધારિત હતું. આ ચલચિત્ર દ્વારા નિરુપા રોય એ તેમની અભિનેત્રી તરીકેની કારકિર્દીની શરુઆત કરી અને પાછળથી તેઓએ હિંદી સિનેમામાં અનેકવિધ પાત્રો ભજવ્યાં. નિરુપા રોયએ નાનુભાઈ ભટ્ટ દિગ્દર્શિત હિંદી ચલચિત્રની ગુજરાતી આવૃત્તિ એવી મીરાંબાઈ (૧૯૪૬)માં પણ અભિનય કર્યો. આ સિવાય તેમણે પુનાતર દિગ્દર્શિત ગુણસુંદરી (૧૯૪૮)માં પણ અભિનય કર્યો. ચતુરભુજ દોષી દિગ્દર્શિત ચલચિત્ર કરિયાવર (૧૯૪૮) દ્વારા દીના પાઠકને સિનેજગતમાં પ્રવેશ મળ્યો. ચત્રભુજ દોશી દ્વારા ઝવેરચંદ મેઘાણીની નવલકથા વેવિશાળ પર આધારિત ચલચિત્ર વેવિશાળ (૧૯૪૯)નું પણ દિગ્દર્શન કરાયું. ૧૯૪૧માં રણજીત સ્ટુડિયોસ્ દ્વારા નિર્મિત હિંદી ચલચિત્ર શાદીને પુનાતરે મંગળફેરા (૧૯૪૯) નામે ગુજરાતીમાં ફરી બનાવી. આ સિવાય અન્ય લોકપ્રિય ચલચિત્રોમાં રામચંદ્ર ઠાકુર દ્વારા દિગ્દર્શીત વડીલોના વાંકે (૧૯૪૮), રતિભાઈ પુનાતર દ્વારા દિગદર્શીત ગાડાનો બેલ (૧૯૫૦); જે પ્રભુલાલ દ્વિવેદીના નાટક પર આધારિત હતી, અને વલ્લ્ભ ચોક્સી દ્વારા દિગ્દર્શીત લીલુડી ધરતી (૧૯૬૮); જે ચુનીલાલ મડિયાની નવલકથા પર આધારિત હતી, તેનો સમાવેશ થાય છે. આધુનિકીકરણના પરિણામે નિર્મિત તકલીફો આ ફિલ્મોમાં જોવા મળે છે. ગાડાનો બેલ જેવી ફિલ્મોમાં પરિવર્તન અને સત્યનું અસરકારક નિરૂપણ થયલું છે. લીલુડી ધરતી એ ગુજરાતી સિનેમાનું પ્રથમ રંગીન ચલચિત્ર હતું.

૧૯૫૧થી ૧૯૭૦ના સમયગાળામાં ચલચિત્રોના નિર્માણમાં ઘટાડો આવ્યો; આ ગાળામાં ફક્ત ૫૫ ચલચિત્રોનું જ નિર્માણ થયું. પન્નાલાલ પટેલની નવલકથા પર આધારિત મળેલા જીવ (૧૯૫૬)નું દિગ્દર્શન મનહર રસકપુર દ્વારા કરવામાં આવ્યું અને તેના લેખક પન્નાલાલ પટેલ પોતે જ હતા. રસકપુર અને નિર્માતા-અભિનેતા ચાંપશીભાઈ નાગદાએ અનેક ચલચિત્રોનું નિર્માણ કર્યું જેમાં જોગીદાસ ખુમાણ (૧૯૪૮), કહ્યાગરો કંથ (૧૯૫૦), કન્યાદાન (૧૯૫૧), મૂળુ માણેક (૧૯૫૫), મળેલા જીવ (૧૯૫૬), કાદુ મકરાણી (૧૯૬૦), મહેંદી રંગ લાગ્યો (૧૯૬૦), જોગીદાસ ખુમાણ (૧૯૬૨), અખંડ સૌભાગ્યવતી (૧૯૬૩) અને કલાપી (૧૯૬૬) સામેલ છે. અખંડ સૌભાગ્યવતી, જેમાં બોલીવૂડની અભિનેત્રી આશા પારેખએ અભિનય કર્યો હતો, તે ૧૯૬૩ની સફળ ફિલ્મ હતી. તે ફિલ્મ ફાઇનાન્સ કૉર્પોરેશન દ્વારા નાણાકીય રોકાણ મેળવી અને નિર્માણ થનાર પ્રથમ ગુજરાતી ચલચિત્ર હતું. કાંતિલાલ રાઠોડ દ્વારા દિગ્દર્શિત ચલચિત્ર કંકુ (૧૯૬૯) એ પન્નાલાલ પટેલ દ્વારા મૂળ ૧૯૩૬માં લખાયેલ નવલિકા પર આધારિત હતી અને તે નવલિકાને લેખકે પાછળથી નવલકથા સ્વરુપે ૧૯૭૦માં વિસ્તારી હતી. આ ચલચિત્રને ૧૭મા રાષ્ટ્રિય ચલચિત્ર પુરસ્કાર દરમિયાન ગુજરાતીમાં શ્રેષ્ઠ ચલચિત્રનો પુરસ્કાર એનાયત થયો હતો. તેની અભિનેત્રી પલ્લવી મહેતાને શિકાગો આંતરરાષ્ટ્રિય ફિલ્મ મહોત્સવ દરમિયાન પુરસ્કાર આપવામાં આવ્યો હતો.

હિંદી સિનેમાના લોકપ્રિય અભિનેતા સંજીવ કુમાર દ્વારા ઘણી ગુજરાતી ચલચિત્રોમાં અભિનય આપવામાં આવ્યો હતો જેમાં રમત રમાડે રામ (૧૯૬૪), કલાપી (૧૯૬૬) અને જીગર અને અમી સામેલ છે. જીગર અને અમી તે જ નામ ધરાવતી ચુનીલાલ વર્ધમાન શાહની નવલકથા પરથી બનાવવામાં આવી હતી. આ સિવાય વિધાતા (૧૯૫૬), ચુંદડી ચોખા (૧૯૬૧), ઘર દીવડી (૧૯૬૧), નંદનવન (૧૯૬૧), ઘરની શોભા (૧૯૬૩), પાનેતર (૧૯૬૫), મારે જાવું પેલે પાર (૧૯૬૮), બહુરુપી (૧૯૬૯) અને સંસારલીલા (૧૯૬૯) એ ગુજરાતી સાહિત્યના સર્જનો પર આધારિત ચલચિત્રો છે.

વિકાસ અને પડતી (૧૯૭૦-૨૦૦૦)

ગુજરાતી સિનેમા: વ્યુત્પતિ, ઇતિહાસ, વિષયો 
ગુજરાતી અભિનેત્રી, મલ્લિકા સારાભાઈ
ગુજરાતી સિનેમા: વ્યુત્પતિ, ઇતિહાસ, વિષયો 
સૌથી સફળ ગુજરાતી નિર્માતા અને અભિનેતા ઉપેન્દ્ર ત્રિવેદી
ગુજરાતી સિનેમા: વ્યુત્પતિ, ઇતિહાસ, વિષયો 
બે રાષ્ટ્રિય પુરસ્કાર મેળવનાર ગુજરાતી ચલચિત્ર ભવની ભવાઈના દિગ્દર્શક કેતન મહેતા

૧ મે ૧૯૬૦ના રોજ મહાગુજરાત આંદોલન બાદ અખંડ બોમ્બે રાજ્યનું વિભાજન ગુજરાત અને મહારાષ્ટ્ર નામનાં બે રાજ્યોમાં થયું. આ ઘટનાના ગુજરાતી સિનેજગત પર ઘેરા પ્રત્યાઘાત પડ્યા કેમ કે ગુજરાતી ચલચિત્રોના નિર્માણનું મુખ્ય કેન્દ્ર મુંબઈ મહારાષ્ટ્રના હિસ્સામાં આવ્યું. ગુજરાતમાં તે સમયે કોઈ ચલચિત્ર નિર્માણ કરતું મોટું સ્ટુડિયો નહોતું અને તેને કારણે ગુજરાતી ચલચિત્રોની ગુણવત્તા અને તેમની સંખ્યામાં ઘટાડો નોંધાયો.

૧૯૭૦ના દાયકામાં ગુજરાત સરકારે ગુજરાતી ચલચિત્રોના નિર્માણ ઉપર નાણાકીય સહાય અને કરવેરામાં છૂટછાટ આપી અને તેને કારણે ચલચિત્રોના નિર્માણમાં ઉછાળો આવ્યો. ૧૯૭૨માં વડોદરા ખાતે સ્ટુડિયોની સ્થાપના કરવામાં આવી. ૧૯૮૧-૧૯૮૨ના સમયગાળામાં ૩૯ ચલચિત્રોનું નિર્માણ થયું અને નાણાકીય સહાય દ્વારા નિર્માતાઓને સહાય કરવાની રાજ્ય સરકારની નીતિ પર તેને આ ગાળામાં રુ. આઠ કરોડનો ખર્ચ થયો. જે નિર્માતાઓ ચલચિત્રો પૂર્ણ રીતે નિર્મિત કરે તેમના માટે મનોરંજન વેરામાં રુ ૩,૦૦,૦૦૦ની છૂટ જાહેર કરવામાં આવી. આ નીતિઓને કારણે સિનેજગતમાં આર્થિક લાભ મેળવવા માટે એવા લોકોએ ભાગ લેવાનું શરુ કર્યું જેમને તકનિકી જાણકારીનો અને કલાકારીની કળાનું કોઈ જ્ઞાન નહોતું અને તેને કારણે ગુજરાતી ચલચિત્રોની ગુણવત્તામાં ઘટાડો થયો. ૧૯૭૩ બાદ દેવી-દેવતાઓ અને ડાકુઓને કેન્દ્રમાં રાખતા ચલચિત્રો મોટી સંખ્યામાં નિર્માણ પામ્યા. ૧૯૮૦માં નાણાકીય સહાયમાં ૭૦% જેટલો ઘટાડો કરવામાં આવ્યો અને અન્ય ૩૦% સહાય ચલચિત્ર નિર્માતાઓને અન્ય પદ્ધતિઓ દ્વારા સહાય તરીકે આપવામાં આવી.

ગોવિંદ સરૈયા દ્વારા દિગ્દર્શિત ચલચિત્ર ગુણસુંદરીનો ઘરસંસાર (૧૯૭૨)ને ૨૦મા રાષ્ટ્રિય ફિલ્મ પુરસ્કાર દરમિયાન શ્રેષ્ઠ ગુજરાતી ચલચિત્રનો રાષ્ટ્રિય પુરસ્કાર એનાયત થયો. ફિરોઝ સરકાર દિગ્દર્શિત ચલચિત્ર જનમટીપ (૧૯૭૩)ને ઇશ્વર પેટલીકર રચિત તે જ નામની નવલકથા પરથી બનાવાયું હતું. કાન્તિ મડિયાએ વિનોદિની નીલકંઠની નવલિકા દરિયાવ દિલ પર આધારિત ચલચિત્ર કાશી નો દિકરો (૧૯૭૯) બનાવ્યું. ૧૯૬૯થી ૧૯૮૪ના ગાળામાં બાબુભાઈ મિસ્ત્રીએ આશરે ૧૨ ચલચિત્રોનું દિગ્દર્શન કર્યું. દિનેશ રાવલ એ ૨૬ સફળ ચલચિત્રોનું દિગ્દર્શન કર્યું જેમાં મેના ગુજરાતી (૧૯૭૫), અમર દેવીદાસ (૧૯૮૧) અને સંત રોહિદાસ (૧૯૮૨) સામેલ છે. અભિનેતા-દિગ્દર્શક કૃષ્ણ કાંત જેઓ કેકેના હુલામણા નામે જાણીતા હતા, તેમણે આશરે ડઝનેક ગુજરાતી ચલચિત્રોનું દિગ્દર્શન કર્યું જેમાં કુળવધુ (૧૯૭૭), ઘરસંસાર (૧૯૭૮), વિસામો (૧૯૭૮) અને જોગ સંજોગ (૧૯૮૦) સામેલ છે. આ ચલચિત્રો લોકપ્રિયતા મેળવવા સાથે સાથે વિવેચાત્મક દૃષ્ટિએ પણ શ્રેષ્ઠ ગણાયાં. કેકે ગુજરાતી સિવાય હિંદી સિનેજગત અને બંગાળી ભાષાના સિનેમામાં પણ લાંબી અને સફળ કારકિર્દી ધરાવતા હતા. મેહુલ કુમારે ઘણી સફળ ચલચિત્રોનું દિગ્દર્શન કર્યું જેમાં જનમ જનમના સાથી (૧૯૭૭), માં વિના સુનો સંસાર (૧૯૮૨), ઢોલામારુ (૧૯૮૩) અને મેરુ માલણ (૧૯૮૫) સામેલ છે. ૧૯૭૧માં પ્રદર્શિત અને રવિન્દ્ર દવે દિગ્દર્શિત ચલચિત્ર જેસલ તોરલ ગુજરાતી સિનેમાની સૌથી સફળ ફિલ્મોમાંની એક માનવામાં આવે છે. ૧૯૭૫માં બનેલી ચંદ્રકાંત સાંગાણી દ્વારા દિગ્દર્શિત, તાના અને રીરીની ગુજરાતી લોકકથા પર આધારિત ફિલ્મ 'તાનારીરી' એ અકબરના જીવનનું અન્ય પાસું પ્રગટ કરે છે જે સામાન્ય રીતે એક સૌમ્ય રાજા સ્વરૂપે દર્શાવેલું હોય છે. તેમણે હરજી લવજી દામાણી રચિત નવલકથા વણઝારી વાવ પર આધારિત ચલચિત્ર કરિયાવર (૧૯૭૭)નું પણ દિગ્દર્શન કર્યું હતું. ગિરિશ મનુકાંત દિગ્દર્શિત સોનબાઇની ચૂંદડી (૧૯૭૬) એ ગુજરાતી સિનેમાની સૌપ્રથમ સિનેમાસ્કોપ તકનિક ધરાવતી ફિલ્મ હતી. ઝવેરચંદ મેઘાણીની નવલકથા માણસાઇના દીવા પર આધારિત તે જ નામના ચલચિત્રનું દિગ્દર્શન ગોવિંદ સરૈયા દ્વારા ૧૯૮૪માં કરવામાં આવ્યું હતું. સુભાષ શાહે ઘણા લોકપ્રિય ચલચિત્રોનું દિગ્દર્શન કર્યું જેમાં લોહી ભીની ચુંદડી (૧૯૮૬), પ્રેમ બંધન (૧૯૯૧), ઊંચી મેડીના ઊંચા મોલ (૧૯૯૬), પ્રભાવની પ્રીત (૧૯૯૭) અને મહીસાગરનાં મોતી (૧૯૯૮) સામેલ છે.

૧૯૭૩થી ૧૯૮૭ના સમયગાળા દરમિયાન અરુણ ભટ્ટ દ્વારા હિદી સિનેમાના નિર્માણની ગુણવત્તા સાથે સરખાવી શકાય તેવા ઘણા ગુજરાતી ચલચિત્રોનું નિર્માણ કર્યું. તેમણે શહેરી પશ્ચાદભૂ સાથેના ચલચિત્રોનું પણ નિર્માણ કર્યું જેમાં મોટા ઘરની વહુ, લોહીની સગાઈ (૧૯૮૦) જે ઈશ્વર પેટલીકરની નવલ પર આધારિત છે, પારકી થાપણ, શેતળ તારા ઊંડા પાણી (૧૯૮૬) સામેલ છે જે લોકપ્રિય હોવા સાથે વિવેચનાત્મક દૃષ્ટિએ પણ સફળ મનાય છે. ૧૯૮૦ના દાયકાની શરુઆતે તેમના દ્વારા નિર્મિત ચલચિત્ર પૂજાનાં ફૂલને ગુજરાત સરકાર દ્વાર શ્રેષ્ઠ ચલચિત્રનો પુરસ્કાર આપવામાં આવ્યો અને તેને દૂરદર્શન પર પુરસ્કૃત પ્રાદેશિક ચલચિત્ર માટેના સમયખંડમાં પ્રદર્શિત કરવામાં આવી.

૧૯૮૦માં રાષ્ટ્રિય ચલચિત્ર વિકાસ નિગમ, સંચાર ફિલ્મ સોસાયટી અને અમદાવાદ જિલ્લા બેંક દ્વારા નિર્મિત અને કેતન મહેતા દિગ્દર્શિત ફિલ્મ ભવની ભવાઈ ઉત્કૃષ્ટ અભિનય, છાયાચિત્રણ માટે વખણાઈ હતી. આ ફિલ્મને સર્વશ્રેષ્ઠ ફિલ્મ માટેનો રાષ્ટ્રીય પુરસ્કાર અને સર્વશ્રેષ્ઠ કલા નિર્દેશન માટે મીરા લાખીયાને પુરસ્કાર મળ્યો. આ સિવાય તેને ફ્રાન્સના નેન્ટ્સ ફેસ્ટીવલમાં ઈનામ મળ્યું હતું. તે લોકમંચ પર પ્રદર્શિત ભવાઈ નહોતી પણ ચલચિત્રમાં તેના ઘણા સંસ્કારોને વણી લેવામાં આવ્યા હતા. પરવેઝ મેરવાનજી દ્વારા દિગ્દર્શિત પારસી ગુજરાતી ચલચિત્ર પર્સિ (૧૯૮૯)ને ૩૭મા રાષ્ટ્રિય ચલચિત્ર પુરસ્કાર દરમિયાન શ્રેષ્ઠ ગુજરાતી ચલચિત્રનો પુરસ્કાર એનાયત થયો હતો. ૧૯૯૨ની સંજીવ શાહ દિગ્દર્શીત ફિલ્મ હું હુંશી હુંશીલાલ એક અનુ-આધુનિક ફિલ્મ હતી. તે તત્કાલીન રાજકીય વાતાવરણથી પ્રેરિત દૃષ્ટાંતકથા સ્વરુપનું ચલચિત્ર હતું. ૧૯૯૮માં ગોવિંદભાઈ પટેલ દિગ્દર્શિત ચલચિત્ર દેશ રે જોયા દાદા પરદેશ જોયા ખૂબ સફળ રહી અને તેણે ગુજરાતી સિનેમામાં સૌથી વધુ આશરે ૨૨ કરોડનો વકરો કર્યો. તેને આશરે ૧.૫ કરોડ દર્શકોએ જોઈ. વિપુલ અમૃતલાલ શાહ એ ૧૯૯૯માં દરિયા છોરુનું દિગ્દર્શન કર્યું. ૧૯૯૦ના દાયકાની અન્ય સફળ ચલચિત્રોમાં માનવીની ભવાઇ (૧૯૯૩), ઊંચી મેડીના ઊંચા મોલ (૧૯૯૭) અને પાન લીલું ને રંગ રાતો (૧૯૯૯) સામેલ છે.

ઉપેન્દ્ર ત્રિવેદીને સૌથી સફળ ગુજરાતી અભિનેતા અને નિર્માતા માનવામાં આવે છે. મનુભાઈ પંચોળી સર્જિત મહાનવલ ઝેર તો પીધા છે જાણી જાણી પર તે જ નામના ચલચિત્રનું નિર્માણ ૧૯૭૨માં કર્યું. તેમણે પન્નાલાલ પટેલની નવલકથા માનવીની ભવાઇ પર તે જ નામના ચલચિત્રમાં સફળ નિર્માણ, દિગ્દર્શન અને અભિનય કર્યો. આ ચલચિત્રને બહોળી લોકપ્રિયતા મળી અને તેને ૪૧મા રાષ્ટ્રિય ફિલ્મ પુરસ્કારમાં શ્રેષ્ઠ ગુજરાતી ચલચિત્રનો પુરસ્કાર એનાયત થયો. અરવિંદ ત્રિવેદી, મહેશ કનોડિયા, નરેશ કનોડિયા, રાજેન્દ્ર કુમાર, અસરાની, કિરણ કુમાર અને હિતેન કુમાર દ્વારા સિનેજગતમાં લાંબી અને સફળ કારકિર્દી અપાઈ. રમેશ મહેતા અને પી. ખરસાણીને તેમના હાસ્યસભર પાત્રાભિનય માટે જાણવામાં આવે છે. લોકપ્રિય ગુજરાતી અભિનેત્રીઓમાં મલ્લિકા સારાભાઈ, રીતા ભાદુરી, અરુણા ઇરાની, જયશ્રી, બિંદુ, આશા પારેખ અને સ્નેહલતા સામેલ છે.

ગુજરાતી સિનેમાના મુખ્ય સંગીતકારોમાં અવિનાશ વ્યાસનો સમાવેશ થાય છે, તેમણે ૧૬૮ ગુજરાતી ચલચિત્રો અને ૬૧ હિંદી ચલચિત્રો માટે સંગીતનું સર્જન કર્યું. તેમના પુત્ર ગૌરાંગ વ્યાસ પણ સંગીતકાર છે અને તેમણે ભવની ભવાઈ ચલચિત્ર માટે સંગીત આપ્યું છે. મહેશ-નરેશની જોડીએ અનેક ગુજરાતી ચલચિત્રોમાં સંગીત આપ્યું જેમાં તાનારીરી પણ સામેલ છે. અન્ય નોંધપાત્ર સંગીતકાર અજીત મરચન્ટ હતા.

૧૯૮૧ સુધીમાં આશરે ૩૬૮ ગુજરાતી ચલચિત્રો અને ૩,૫૬૨ ટૂંકા ગુજરાતી ચલચિત્રોનું નિર્માણ કરવામાં આવ્યું. ૧૯૯૮માં ગુજરાતી ચલચિત્રોના પ્રચાર પ્રસાર માટે ઉભી કરાયેલ સંસ્થા ગુજરાત ચલચિત્ર વિકાસ નિગમને બંધ કરી દેવાયું.

બદલતા સમય અને તકનિકો સાથે જરુરી ફેરફારના અભાવ, વસ્તી વિષયક ફેરફારો અને નાણાકીય રોકાણ પાછું મેળવી અને નફા તરફના ઝુકાવને કારણે ચલચિત્રોની ગુણવત્તામાં ઘટાડો થયો. નબળી ગુણવત્તા ધરાવતા ઓછા ખર્ચ સાથે ગ્રામ્ય વિસ્તારના દર્શકોને ધ્યાનમાં રાખી અને ચલચિત્રોનું નિર્માણ થવા લાગ્યું, જ્યારે હિંદી ભાષાની સમજણ ધરાવતા શહેરી દર્શકો વધુ સારી ગુણવત્તા ધરાવતા ટેલિવિઝન કાર્યક્રમો અને બોલીવુડ ચલચિત્રો તરફ વળી ગયા.

પુનરુત્થાન (૨૦૦૧- હાલ સુધી)

૨૦૦૦ના દાયકાના શરુઆતના વર્ષોમાં પ્રતિવર્ષ ૨૦ કરતાં ઓછા ચલચિત્રોનું નિર્માણ કરવામાં આવ્યું. ૨૦૦૫માં ગુજરાત સરકારે તમામ દર્શકો માટેના (યુ પ્રમાણપત્ર ધારક) ગુજરાતી ચલચિત્રોને મનોરંજન કરમાં ૧૦૦% રાહત, વયસ્ક પ્રમાણપત્ર ધારક ચલચિત્રો માટે ૨૦% રાહત અને દરેક ચલચિત્રને પાંચ લાખની આર્થિક સહાયની જાહેરાત કરવામાં આવી. ૨૦૦૫ બાદ કરમાં રાહત અને ઉત્તર ગુજરાતના અને ખાસ કરીને બનાસકાંઠા જિલ્લાના ગ્રામ્ય દર્શકોમાં ગુજરાતી ચલચિત્રોની લોકપ્રિયમાં વધારો થવાના કારણે ચલચિત્રોના નિર્માણમાં વધારો થયો. માંગમાં વધારો થવાના મુખ્ય કારણોમાં શ્રમિક વર્ગમાં સ્થાનિક સંગીત અને બોલીની શૈલી ધરાવતા ચલચિત્રોની લોકપ્રિયતા હતી અને આ ચલચિત્રો મોટા ભાગે એક જ પડદો ધરાવતા સિનેમા ઘરોમાં પ્રદર્શિત કરવામાં આવતા હતા. ૨૦૦૯ અને ૨૦૧૦ના વર્ષમાં પ્રત્યેક વર્ષે ૬૦ કરતા વધુ ચલચિત્રોનું નિર્માણ કરવામાં આવ્યું. ૨૦૧૨માં ગુજરાતી સિનેમા જગત દ્વારા વિક્રમી ૭૨ ચલચિત્રોનું નિર્માણ કરવામાં આવ્યું. અભિનેતા હિતેન કુમાર તારાંકિત અને જશવંત ગંગાણી દિગ્દર્શિત ચલચિત્ર મૈયરમાં મનડું નથી લાગતું (૨૦૦૧) ખૂબ લોકપ્રિય રહી. તે ચલચિત્રનો ઉત્તરાર્ધ ૨૦૦૮માં પ્રદર્શિત કરવામાં આવ્યો. ગામમાં પિયરિયું ને ગામમાં સાસરિયું (૨૦૦૫) અને મુઠી ઉંચેરો માણસ (૨૦૦૬) ચલચિત્રો પણ લોકપ્રિય રહ્યાં. ગોવિંદભાઈ પટેલ દિગ્દર્શિત ચલચિત્ર ઢોલી તારો ઢોલ વાગે (૨૦૦૮)નું નિર્માણ રિલાયન્સ એન્ટરટેઇનમેન્ટ દ્વારા કરવામાં આવ્યું હતું. વિક્રમ ઠાકોર દ્વારા ઘણા ચલચિત્રોમાં અભિનય આપવામાં આવ્યો જેમાં એકવાર પિયુને મળવા આવજે (૨૦૦૬) સામેલ છે. તેના ગ્રામ્ય દર્શકો માટે બનેલાં છ ચલચિત્રોએ કુલ ૩ કરોડનો વકરો કર્યો. વિવિધ માધ્યમો અનુસાર વિક્રમ ઠાકોરને ગુજરાતી સિનેમાના ટોચના અભિનેતા તરીકે ઓળખવામાં આવે છે. હિતેન કુમાર, ચંદન રાઠોડ, હિતુ કનોડિયા, મમતા સોની, રોમા માણેક અને મોના થીબા ગ્રામ્ય દર્શકોમાં લોકપ્રિયતા ધરાવતા કલાકારો છે.

૨૦૦૮માં પ્રદર્શિત અને આશિષ કક્કડ દ્વારા દિગ્દર્શિત ચલચિત્ર બેટર હાફ (૨૦૦૮) વ્યાવસાયિક દૃષ્ટિએ નિષ્ફળ રહી પરંતુ તેણે વિવેચકો અને શહેરી દર્શકોનું ધ્યાન આકર્ષિત કર્યું. ૧૬મિમિમાં છાયાંકન પામનાર અને મલ્ટિપ્લેક્ષમાં પ્રદર્શિત થનાર આ પ્રથમ ગુજરાતી ચલચિત્ર હતું. ૨૦૦૯માં "લીટલ ઝીઝો", નામની હિંદી, ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં બનેલી ફિલ્મ, જેનું પટકથા લેખન અને દિગ્દર્શન સૂની તારાપોરવાલાએ કર્યું હતું, તેને ૫૬ રાષ્ટ્રિય ફિલ્મ પુરસ્કાર દરમિયાન પરિવાર કલ્યાણ માટેનો રાષ્ટ્રીય પુરસ્કાર ’રજત કમળ’ મળ્યો હતો. દેવાંગ પટેલને તારાંકિત કરતાં ચલચિત્રો મુરતિયો નં ૧ (૨૦૦૫) અને વનેચંદનો વરઘોડો ખર્ચાળ ચલચિત્રો હતા પરંતુ તેમની આવક ઓછી રહી. બોલતા ચલચિત્રોની શરુઆત પછી ૧,૦૦૦ ચલચિત્રો નિર્માણ કરવાનું સીમાચિહ્ન ગુજરાતી સિનેમાએ ઓગષ્ટ ૨૦૧૧માં મેળવ્યું. વીર હમીરજી (૨૦૧૨) એક ઐતિહાસિક ચલચિત્ર હતું અને તેને ઑસ્કાર પુરસ્કારની ભારતીય ફિલ્મની યાદીમાં સમાવવામાં આવ્યું હતું. જ્ઞાન કોરિયા દ્વારા દિગ્દર્શિત ધ ગુડ રોડ (૨૦૧૩)ને ૬૦મા રાષ્ટ્રિય ફિલ્મ પુરસ્કાર દરમિયાન શ્રેષ્ઠ ગુજરાતી ચલચિત્રનો પુરસ્કાર મળ્યો અને પાછળથી તે ઑસ્કાર પુરસ્કાર સમારોહ ખાતે વિદેશી ભાષાના ચલચિત્રોની શ્રેણીમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનાર પ્રથમ ગુજરાતી ફિલ્મ બની. ઓક્ટોબર ૨૦૧૩માં યોજાયેલ ભારતીય ફિલ્મ મહોત્સવ દરમિયાન તેને નિર્ણાયકો તરફથી અપાતો શ્રેષ્ઠ ચલચિત્રનો પુરસ્કાર એનાયત થયો.

અભિષેક જૈન દિગ્દર્શિત ચલચિત્રો કેવી રીતે જઈશ? (૨૦૧૨) અને બે યાર (૨૦૧૪) વ્યાવાસિયક અને વિવેચનાત્મક દૃષ્ટિએ સફળ રહ્યા અને તેણે શહેરી દર્શકોને ગુજરાતી સિનેમા તરફ ખેંચ્યા. કેવી રીતે જઈશ અને બે યાર; આ બંને ચલચિત્રો સિનેમાગૃહોમાં અનુક્રમે સોળ અને પચાસ અઠવાડિયાં સુધી પ્રદર્શિત થયા અને તે સમગ્ર વિશ્વમાં પ્રદર્શિત કરવામાં આવ્યા. આ ચલચિત્રોની સફળતાએ ગુજરાતી સિનેમા તરફ નવા અભિનેતાઓ, દિગ્દર્શકો અને નિર્માતાઓને દોર્યા અને તેને કારણે ગુજરાતી ચલચિત્રોના નિર્માણમાં ઉછાળો આવ્યો. ડિજિટલ તકનિક અને સોશ્યલ માધ્યમોને કારણે સિનેજગતને તેની પહોંચ વધારવામાં લાભ મળ્યો. સિદ્ધાર્થ રાંદેરીયા તારાંકિત ગુજ્જુભાઈ ધ ગ્રેટ અને છેલ્લો દિવસ ચલચિત્રોને ૨૦૧૫ના સફળ ચલચિત્રો તરીકે જાહેર કરવામાં આવ્યા. ગુજરાતી ચલચિત્રોની આવક ૨૦૧૪માં ૭ કરોડથી વધી અને ૨૦૧૫માં ૫૫ કરોડ થઈ ગઈ. ૨૦૧૪ અને ૨૦૧૫ ના વર્ષોમાં અનુક્રમે કુલ ૬૫ અને ૬૮ ચલચિત્રોનું નિર્માણ કરવામાં આવ્યું. ગુજરાતી ચલચિત્રોને પ્રદર્શિત કરનાર પડદાની સંખ્યામાં ૨૦૧૧ના ૨૦/૨૫થી વધી અને ૨૦૧૫માં ૧૫૦/૧૬૦ જેટલો વધારો નોંધાયો.

ઓગષ્ટ ૨૦૧૩માં ગુજરાતી ચલચિત્રોને અપાતી આર્થિક સહાયને ગુજરાત સરકારે બંધ કરી દીધી. ત્રણ વર્ષ બાદ, ફેબ્રુઆરી ૨૦૧૬માં સહાય માટે નવી નીતિની જાહેરાત કરવામાં આવી જેમાં ચલચિત્રોની ગુણવત્તા ઉપર ધ્યાન આપવામાં આવ્યું. તકનિકી પાસાઓ, નિર્માણની ગુણવત્તા, ચલચિત્રના ભાગો અને વ્યાવાસાયિક સફળતા અનુસાર ચલચિત્રોને ચાર શ્રેણી 'એ' થી 'ડી'માં વહેંચવામાં આવ્યા. નિર્માતાઓને 'એ' શ્રેણી માટે ૫૦ લાખ, 'બી' શ્રેણી માટે ૨૫ લાખ, 'સી' શ્રેણી માટે ૧૦ લાખ અને 'ડી' શ્રેણી માટે ૫ લાખની સહાય અથવા નિર્માણનો ૭૫% ખર્ચ બંન્નેમાંથી જે ઓછું હોય તે આપવા જાહેરાત કરાઈ. ચલચિત્ર મહોત્સવો અને પુરસ્કાર સમારંભોમાં ચલચિત્રના પ્રદર્શન અનુસાર વધારાના ફાયદા પણ નિર્માતા મેળવી શકે તેની પણ જોગવાઈ કરવામાં આવી. મલ્ટિપ્લેક્ષ સંગઠનને પણ પ્રત્યેક વર્ષમાં ગુજરાતી ચલચિત્રોના ૪૯ પ્રદર્શન કરવા આદેશ આપવામાં આવ્યો. જુલાઈ ૨૦૧૭માં ગુડ્સ અને સર્વિક કર લાગુ થતાં ગુજરાતી ચલચિત્રોને અપાતી મનોરંજન કરમાં રાહતનો અંત આવી ગયો.

૬૪મા અને ૬૫મા રાષ્ટ્રિય ફિલ્મ પુરસ્કારો દરમિયાન અનુક્રમે રોંગ સાઈડ રાજુ (૨૦૧૬) અને (૨૦૧૭) ચલચિત્રોને શ્રેષ્ઠ ગુજરાતી ચલચિત્રોનો પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો. શુભ આરંભ (૨૦૧૬), કેરી ઑન કેસર (૨૦૧૭), કરસનદાસ પૅ ઍન્ડ યુઝ (૨૦૧૭), લવની ભવાઇ (૨૦૧૭) ચાલ મન જીતવા જઈએ (૨૦૧૭) જેવાં ચલચિત્રોએ ગુજરાતી સિનેમાના પુનરુત્થાનમાં નોંધપાત્ર ફાળો આપ્યો.

૨૦૧૮માં રાહુલ ભોલે અને વિનીત કનોજીયા દ્વારા દિગ્દર્શિત ફિલ્મ રેવા એ રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર મેળવ્યો. હેલ્લારો એ ૬૬ મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં શ્રેષ્ઠ ફીચર (feature) ફિલ્મનો રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડ જીત્યો હતો. ચલ જીવી લઇએ (૨૦૧૯) અંદાજિત૫૨.૧૪ crore (US$૬.૮ million)ની આવક સાથે ૨૦૧૯નું સૌથી સફળ ચલચિત્ર રહ્યું હતું.

વિષયો

ગુજરાતી ફિલ્મો મોટે ભાગે માનવીય કે સામાજિક ભાવનાઓ દ્વારા વણાયેલી હોય છે. આમાં પારિવારિક સંબંધો, માનવ્ચ મનની ઈચ્છાઓ અને સમાજ જીવન સંબંધી વિષયવસ્તુ હોય છે. ગુજરાતી સિનેમાના શરુઆતના વર્ષોમાં પૌરાણિક વિષયો અને દંતકથાઓ પર આધારિત ચલચિત્રોનું મોટી સંખ્યામાં નિર્માણ કરવામાં આવ્યું. ગુજરાતના લોકપ્રિય સંતો અને "સતી"ઓ જેવાં કે નરસિંહ મહેતા અને ગંગાસતી પર પણ ચલચિત્રોનું નિર્માણ થયું. આ ચલચિત્રો આ પ્રકારના વિષયોની જાણકારી ધરાવતા ગ્રામ્ય દર્શકોને લક્ષમાં રાખીને બનાવાતા હતા. શરુઆતના ચલચિત્ર નિર્માતાઓએ સામાજિક સુધારના વિષય પર પણ નિર્માણ કર્યાં હતા. પરિવાર જીવન અને લજ્ઞજીવન પર આધારિત ચલચિત્રો જેવાંકે ગુણસુંદરી અને કરિયાવર નોંધપાત્ર ગણી શકાય. ૪૦ અને ૫૦ના દાયકાઓમાં ઐતિહાસિક, સામાજિક અને ધાર્મિક વિષયો મુખ્ય રહ્યા. ઘણાં ગુજરાતી ચલચિત્રો જેવાં કે કાશીનો દીકરો ગુજરાતી નવલકથા પરથી બનાવવામાં આવ્યા. ૭૦ના દાયકામાં ફરી સંત અને સતિના વિષયો મુખ્ય રહ્યા. ૮૦ અને ૯૦ના દાયકાઓમાં ગુજરાતી સિનેમા પર હિંદી સિનેમાની અસર થઈ અને રોમાંચક વિષયો પર ચલચિત્રોનું નિર્માણ થયું. ૨૦૦૦ના દાયકાની શરુઆતે ચલચિત્રો મુખ્યત્ત્વે ગ્રામ્ય દર્શકોને ધ્યાનમાં રાખી અને સ્થાનિક કથાનક અને શૈલી પર બન્યાં. ૨૦૦૫ બાદ ગુજરાતી સિનેમાનું પુનરુત્થાન થયું અને શહેરી સંસ્કારો તેમાં ઉમેરવામાં આવ્યા. હાલના સમયમાં, દર્શકો માટે વધુ પ્રસ્તુત ચલચિત્રોનું નિર્માણ થઈ રહ્યું છે.

સમલૈંગિક અથવા એલજીબીટી સમુદાય પર મેઘધનુષ્ય (૨૦૧૩) પ્રથમ ગુજરાતી ચલચિત્ર છે.

દફતરીકરણ

૧૯૩૨ અને ૨૦૧૧ વચ્ચે આશરે ૧,૦૩૦ ગુજરાતી ચલચિત્રોનું નિર્માણ થયું પરંતુ બહુ થોડાનું દફતરીકરણ થયું છે. નેશનલ ફિલ્મ આર્કાઇવ ઑફ ઇન્ડિયા ખાતે ફક્ત વીસ ગુજરાતી ચલચિત્રો મોજૂદ છે જેમાં બે પારસી-ગુજરાતી ચલચિત્રો, વિજયા મહેતા દિગ્દર્શિત પેશ્તોનેઇ (૧૯૮૭) અને પરવેઝ મેરવાનજી દિગ્દર્શિત પર્સિ (૧૯૮૯) સામેલ છે. ૧૯૩૦ અને ૪૦ ના દાયકાની એકપણ મૂંગી અથવા બોલતી ફિલ્મો સાચવાઇ નથી.

આ પણ જુઓ

સંદર્ભ

બાહ્ય કડીઓ

Tags:

ગુજરાતી સિનેમા વ્યુત્પતિગુજરાતી સિનેમા ઇતિહાસગુજરાતી સિનેમા વિષયોગુજરાતી સિનેમા દફતરીકરણગુજરાતી સિનેમા આ પણ જુઓગુજરાતી સિનેમા સંદર્ભગુજરાતી સિનેમા બાહ્ય કડીઓગુજરાતી સિનેમાગુજરાતી ભાષાગુજરાતી લોકોનરસિંહ મહેતા (૧૯૩૨ ચલચિત્ર)

🔥 Trending searches on Wiki ગુજરાતી:

ઓખાહરણગુજરાત વડી અદાલતપ્રહલાદ જેઠાલાલ પારેખચૈત્રલોકસભાના અધ્યક્ષસૂર્યભારતીય દંડ સંહિતાકચ્છ રજવાડુંક્રિકેટશાહબુદ્દીન રાઠોડગુજરાતી ફિલ્મોની યાદીખોડિયાર મંદિર - ગળધરા (ગુજરાત)સાપુતારાઈંડોનેશિયાસંત રવિદાસરાણકી વાવશક સંવતદત્તાત્રેયરાધાહિંદુ ધર્મના ઉત્સવોખંભાતનો અખાતસત્યના પ્રયોગો અથવા આત્મકથાગૌતમ બુદ્ધભારતનું સર્વોચ્ચ ન્યાયાલયકર્ક રાશીમહાવીર સ્વામીઆંતરરાષ્ટ્રીય મહિલા દિનવંદે માતરમ્દેવભૂમિ દ્વારકા જિલ્લોફેસબુકભારતના રાષ્ટ્રપતિવાંદરોલોક સભાઇતિહાસછાશઅરડૂસીગંગા નદીવારલી ચિત્રકળાભારતમાં મહિલાઓપાલનપુર રજવાડુંમાધવપુર ઘેડસ્વામિનારાયણ સંપ્રદાયસોપારીલાલ બહાદુર શાસ્ત્રીકુમારપાળપાળિયાવસુદેવરામલીલાલાભશંકર ઠાકરઅક્ષય કુમારHIV/AIDS વિશે ગેરમાન્યતાઓઅમિત શાહપાલીતાણાના જૈન મંદિરોશેત્રુંજયગુજરાત ટાઇટન્સઆંબેડકર જયંતિકચ્છનો ઇતિહાસગુજરાતના તાલુકાઓગુજરાતી વિશ્વકોશજુનાગઢશરણાઈલક્ષ્મી વિલાસ મહેલઇડર રજવાડુંઔરંગઝેબરામ જન્મભૂમિ મંદિર, અયોધ્યાગુજરાતી અંકપંચાયતી રાજપાટણ જિલ્લોતિરૂપતિ બાલાજીસ્વામિનારાયણ મંદિર, અમદાવાદગુજરાતમાં શહેરી સ્થાનિક સંસ્થાઓની યાદીરઘુવીર ચૌધરીભારતના ઉપરાષ્ટ્રપતિપાણીપતની ત્રીજી લડાઈનારાયણ સરોવર (તા. લખપત)વૃશ્ચિક રાશીઅમિતાભ બચ્ચન🡆 More